નવી દિલ્હી: કંબોડિયામાં (Cambodia) એક હોટલમાં ભીષણ આગ (Fire) લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ દુર્ઘટનામાં (Accident) 10થી વધુ લોકોના મોત (Death) થયા હોવાનું સામે આવ્યું છે. દુર્ઘટનામાં 30થી વધુ લોકો ગંભીર રીતે દાઝી હોવાનું જાણવા મળ્યું છે. દુર્ઘટનાની જાણ થતા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયત્ન કર્યા હતા. તેમજ હોટલમાં (Hotel) ફસાયેલા લોકોનું રેસ્ક્યુ (Rescue) પણ હાથ ધર્યું હતું. જાણવા મળી રહ્યું છે કે હોટલને ઘણું નુકસાન થયું છે.
મળતી માહિતી અનુસાર કંબોડિયામાં એક હોટલમાં લાગેલી ભીષણ આગને કારણે 10 લોકોના મોત થયા છે. સ્થાનિક સમય અનુસાર રાત્રે 8.30 વાગ્યે હોટલમાં ભીષણ આગ લાગી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોટલ ગ્રાન્ડ ડાયમંડ સિટીમાં લાગેલી આગમાં 30 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
આગના ગોટા આકાશ સુધી પહોંચ્યા હતા
મળતી માહિતી અનુસાર, આ હોટલના કેસિનોમાં ભારે હંગામો મચી ગયો હતો. આ આગને કારણે લગભગ 50 લોકો ત્યાં ફસાયા હતા. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે જ્વાળાના ગોટા ઉપર આકાશ સુધી પહોંચી રહ્યા છે. દૂર સુધી આગના ગોટા જોવા મળ્યા હતા. બીજી વીડિયો ક્લિપમાં છતનો મોટો હિસ્સો સળગતો જોવા મળે છે. બીજી તરફ હોટલ મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ ઘટનામાં મોટું નુકસાન થયું છે.
આગ લાગતાની સાથે જ કેટલાક લોકોએ જીવ બચાવવા અનેક માળની ઉંચી બારીમાંથી કૂદી પડવાની ફરજ પડી હતી. તે જ સમયે, હોટેલના અન્ય ભાગો બળીને ખાખ થઈ ગયા હતા. આ દરમિયાન કેસિનોના કર્મચારીઓ બિલ્ડીંગની સીડીઓ પર દોડતા જોવા મળ્યા હતા. બિલ્ડિંગના સ્ટ્રક્ચરનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો છે. જ્યારે બીજો ભાગ પણ પડવા જવા જેવો થઈ ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય તેમ એક ભાગ વાંકો થઈ ગયો છે.
53 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું
હોટલમાં લાગી આગ લગભગ 6 કલાક સુધી સળગતી રહી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. હોટલમાં ફસાયેલા લોકોના જીવ ટાળવે ચોંટ્યો હતો. સ્થાનિક લોકોએ બચાવ કામગીરીમાં પોતપોતાની ભૂમિકા ભજવી હતી. આગને કાબૂમાં લેવા માટે થાઈલેન્ડથી ઈમરજન્સી ક્રૂને લાવવામાં આવ્યા છે. આ દરમિયાન 53 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં પણ ફાયરમેનને સફળતા મળી છે. અગ્નિશામકોએ જણાવ્યું કે આગ લગભગ કાબૂમાં આવી ગઈ છે અને વધુ કોઈ જાનહાનિ ન થાય તે માટે હોટલના રૂમની સાવચેતીભરી તપાસ ચાલી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે હોટલને ઘણું નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા છે.