ભરૂચ: ભરૂચ (Bharuch) જિલ્લાના શુકલતીર્થ (Shukaltirath) ગામમાં ભીષણ આગ (fire) લાગી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક મકાનમાં અચનાક આગ લાગતા આજુબાજુના મકાનો પણ આગમાં સંપડાય ગયા હતા, આગની ઘટનાને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર દોડી આી હતી. ફાયર વિભાગના અધિકારીઓએ આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.
- ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે બંધ મકાન આગ લાગી
- આસપાસના 2 થી 3 મકાન પણ આગની ઝપેટમાં આવી ગયા હતા
- સદનસીબે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી
શકલતીર્થ ગામના ખોરીબારા ફળીયાના એક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ ગામમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ પર કાબૂ મેળવવા ભરૂચ નગરપાલિકાના બે અને NTPC કંપની ઝનોરના ફાયર ફાઈટરે ભારે જહેમત ઉઠાવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર ખોરીબારા ફળીયામાં દેવાભાઇનું મકાન ભાડે આપેલું હતું. જેમાં ગઈકાલે સામવારે રાત્રે બંધ ઘરમાં અચાનક આગ લાગી ગઈ હતી. જે આગે આસપાસના બીજા મકાનોને પણ પોતાની ઝપેટમાં લઈ લીધા હતા.
આગ લાગ્યાની ઘટના બાદ ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવી હતો અને ફાયર વિભાગની ટીમ દ્વારા પાણીનો મારો કરી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. જો કે, કયા કારણોસર આગ લાગી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું હતું કે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી. જો કે, આ આગની ઘટનામાં પાંચથી વધુ મકાનોને મોટું નુકસાન થયું છે પરંતુ જાનહાનીના કોઈ સમાચાર સામે ન આવતા કહી શકાય કે મોટી દુર્ઘટના ટળી હતી.
અંકલેશ્વર જીઆઇડીસીના જલધારા એપાર્ટમેન્ટમાં આગ લાગતાં દોડધામ
અંકલેશ્વર: ઉનાળાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં આગ લાગવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં છેલ્લા એક માસમાં આગ લાગવાના અનેક બનાવો બની ચૂક્યા છે. ઔદ્યોગિક એકમો તેમજ રહેણાક મકાનોમાં આગ લાગવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે, જેમાં વધુ એક ઘટના સામે આવી છે.
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી જલધારા ચોકડી પાસેના જલધારા કો.હાઉસિંગ સોસાયટીના એપાર્ટમેન્ટના ચોથા માળે સોમવારે સવારે અચાનક આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટેગોટા નજરે પડતાં એક સમયે એપાર્ટમેન્ટમાં વસતા લોકોમાં નાસભાગનાં દૃશ્યો સર્જાયાં હતાં. જો કે, ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરાતાં ફાયરના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી જઇ આગ પર કાબૂ મેળવ્યો હતો.
એપાર્ટમેન્ટમાં અચાનક લાગેલી આગનું ચોક્ક્સ કારણ હાલ સુધી સામે આવ્યું નથી. સદનસીબે કોઈ પ્રકારની જાનહાનિ ન થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.