આણંદ : આણંદ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા છેલ્લા કેટલાક સમય દરમિયાન વિવિધ 21 પેઢીને ત્યાં ચેકીંગ કરી ખાદ્ય પદાર્થીના નમુના લીધાં હતાં. આ નમુના લેબોરેટરીમાં તપાસ્યા બાદ ફેઇલ સાબિત થયાં હતાં. તેમની સામે દંડનાત્મક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં 21 પેઢીના ભાગીદારો સહિત 19 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આણંદ સહિત રાજ્યભરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થ વેચતા વેપારીઓને ત્યાં ખાદ્ય પદાર્થના નમુના લેવામાં આવ્યાં હતાં. જેના રિપોર્ટ બાદ જે તે સમયે એડજયુડીકેશન કેસ દાખલ કરવામાં આવ્યાં હતાં. જેમાં જે તે જિલ્લાના એડજયુડીકેશન ઓફીસરે સપ્ટેમ્બર-૨૦૨૧ દરમિયાન કુલ-૫૭ એડજ્યુડીકેશનના કેસોમાં ચુકાદાઓ આપ્યા છે. આ ચુકાદાઓમાં નમુના સાથે સંકળાયેલા તમામ જવાબદાર ઇસમોને અંદાજિત રૂ. ૩૮.૬૮ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ 21 પેઢીને ત્યાં નમુના લેવામાં આવ્યાં હતાં, જેના રિપોર્ટમાં અનસેફ હોવાનું ખુલ્યું હતું. જેમાં પેટલાદના વેપારીને ત્યાંથી મીઠું, ચિખોદરામાં ખાદ્ય તેલ, મીઠો માવો, દૂધ (સોજિત્રા), ધાણા – જીરૂ (કરમસદ), આટો (દાહોદની કંપની), કપાસીયા તેલ (અમદાવાદની કંપની), ઢોકળાનું ખીરૂ (આણંદ), મેંગો મિલ્ક સેક (પેટલાદ), પનીર (તારાપુર), રતલામી સેવ (આણંદ), મરચું પાવડર (તારાપુર), કપાસીયા તેલ (નડિયાદની કંપની અને આસોદર), નમકીન (બોરસદ), મીઠું (બોરસદ), દાબેલીનો માવો (આસોદર ચોકડી), મોળો માવો (આંકલાવ)નો સમાવેશ થાય છે. આ તમામ પેઢી અને તેના ભાગીદારો પાસેથી રૂ.19,05,000નો દંડ વસુલવામાં આવ્યો હતો.
તેલના નમુના પણ લેવામાં આવ્યાં હતાં
ફુડ વિભાગ દ્વારા આણંદ, વિદ્યાનગર, તારાપુર સહિતના તાલુકામાં ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં જલેબી, ફાફડા ઉપરાંત તેલના પણ નમુના લેવામાં આવ્યાં છે. ટીપીસી મશીન દ્વારા તેલની ક્વોલીટી ચકાસવામાં આવ્યાં હતાં. હાલ 30થી 40 પેઢીની ચકાસણી કરવામાં આવી હતી.
દશેરાના દિવસે જ ફુડ વિભાગે સોથી વધુ સ્થળેથી નમુના લીધા
આણંદ શહેર સહિત જિલ્લામાં દશેરાની ઉજવણી સાથે ફાફડા અને જલેબી આરોગવાની પરંપરા છે. જેના પગલે દશેરાના દિવસે વ્હેલી સવારથી જ લોકોની ભીડ ફાફડા – જલેબી જોવા મળે છે. આ સ્થિતિમાં કેટલાક લેભાગુ વેપારીઓએ અખાદ્ય વસ્તુ વેચી નફો રળી લેતાં હોય છે. જેના કારણે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે. આથી, ફુડ વિભાગ દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આણંદ શહેર સહિત જિલ્લામાં ચાર જેટલા ઇન્સ્પેક્ટરને નમુના લેવાની કામગીરી સોંપવામાં આવી હતી. જેઓએ બે દિવસ દરમિયાન સોથી વધુ વેપારીઓને ત્યાં કાર્યવાહી કરી નમુના લીધી હતી. જેમાં આણંદ, પેટલાદ, બોરસદ, વિદ્યાનગર, કરમસદ, આંકલાવમાંથી બેસન, ફાફડા, જલેબીના નમુના લીધાં હતાં. નમુનાની ચકાસણી માટે લેબમાં મોકલી આપવામાં આવ્યાં છે. જેનો રિપોર્ટ 20 દિવસ બાદ આવી જશે. આ રિપોર્ટમાં અનસેફ, સબસ્ટાન્ડર્ડ, મિસ બ્રાન્ડેડ એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યાં હતાં. અનસેફ નમુનામાં છ મહિનાની જેલની સજાની જોગવાઇ કરવામાં આવી છે. જ્યારે સબ સ્ટાન્ડર્ડ અને મિસ બ્રાન્ડ નમુનામાં દંડની કાર્યવાહી કરવામાં આવશે.