પણું શારીરિક-માનસિક સ્વાસ્થ્ય બહેતર હોય, કોઈ વ્યસન ન હોય, સ્થિર આવક હોય, ન્યૂનતમ જરૂરિયાતો હોય અને અડધી રાતે વાત કરી શકાય તેવા પ્રિયજનો-મિત્રો હોય, તો આપણે દુનિયાના મોટાભાગના લોકો કરતાં ઘણા નસીબદાર અને સફળ કહેવાઈએ. આપણે દુનિયા કયાં જઇ રહી છે તે જાણતા નથી એટલે આંધળા બનીને દુનિયાથી દોરવાઈ રહ્યા છીએ પણ આધુનિકતાના દીવા હેઠળનું અંધારું ય જોવા જેવું છે.
એક અંદાજ પ્રમાણે, આખી દુનિયા જો પશ્ચિમના મોડેલ પર જીવતી થઈ જાય (દુનિયાના તમામ દેશોનું આર્થિક-સામાજિક મોડેલ હવે પશ્ચિમને અનુસરે છે) તો પ્રોડક્શન માટે બીજી પાંચ પૃથ્વી જેટલી જમીનની જરૂર પડશે. 2017માં વિશ્વમાં 3.5 બિલિયન ઉપભોક્તાઓ હતા, જે 2030 સુધીમાં 5.6 બિલિયન થઈ જશે. તેના પરથી તમે અંદાજ લગાવી શકશો કે આપણે કેટલી તેજીથી રોટી, કપડાં ઔર મકાનની બુનિયાદી જરૂરિયાતોથી આગળના ‘સુખ’ની તલાશમાં દોડી રહ્યા છીએ.
છેલ્લા ચાર દાયકામાં વિશ્વમાં જેટલો ભૌતિક વિકાસ થયો છે તેની સરખામણીમાં એટલું જ આધ્યાત્મિક (આત્મિક અથવા માનસિક) પતન થયું છે. તમે જો વૈશ્વિક સમાચારો અને ટ્રેન્ડથી વાકેફ હો તો ખ્યાલ આવશે કે દુનિયાનો એક મોટો વર્ગ સ્વાસ્થ્યની, નાણાંકીય, કોઈ ને કોઈ વ્યસનની, ભોગવાદની અને એકલતાની સમસ્યાઓથી પીડાઇ રહ્યો છે.
સંતાનોને જો કોઈ સમજ આપવા જેવી હોય તો તે સ્વસ્થ અને સંતોષી જીવન કોને કહેવાય તેની છે કારણ કે આધુનિક જીવનનું મોડેલ તેમની અંદર અસંતોષની આગને ભડકાવાનું કામ કરે છે. આર્થિક વિકાસ અને કન્ઝ્યુમરિઝમનું મોડેલ તમારી અંદર કેટલી ભૂખ છે તેના પર નભે છે.
———————
વિજ્ઞાન કહે છે કે એક વ્યક્તિ જો લાંબો સમય સુધી ગુસ્સામાં રહે તો તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તેની પ્રતિકૂળ અસર પડે છે. ગુસ્સાના ભાવથી કોર્ટિસોલ અને નોરેપાઈનફેરિન નામના હોર્મોન રિલીઝ થાય છે જે આપણને ‘એક્શન’ લેવા ઉત્તેજિત કરે છે. તે વખતે હાર્ટ રેટ અને શ્વાસની ક્રિયા તેજ થાય છે, આર્ટરિઝ સંકોચાય છે, શરીરનાં આંતરિક અંગોમાંથી લોહી મગજ તરફ ખેંચાય છે, ઇન્ફ્લેમેશન અને સ્ટ્રેસ વધે છે. આવી સ્થિતિમાં રહેવાની જો કોઈને ટેવ પડી જાય (કોઇ પણ હોર્મોન્સ એડિક્ટિવ હોય છે) તો કલ્પના કરી શકો છો કે તે વ્યક્તિની તંદુરસ્ત જીવવાની ક્ષમતા પર કેટલી ગંભીર અસર પડી શકે.
એક સમાજ પણ જો નિયમિત રીતે ગુસ્સામાં, નેગેટિવ લાગણીઓ અને વિચારોમાં જીવતો થઈ જાય તો તેનું સ્વાસ્થ્ય પણ ક્ષીણ થઈ જાય છે અને ઉત્તમ ભવિષ્ય રચવાની તેની ક્ષમતા ખોરવાઈ જાય છે. ભૂતકાળને યાદ રાખવો અને તેમાંથી કશું શીખીને આગળ વધી જવું એક વાત છે અને ભૂતકાળની યાદોમાં જીવતા રહેવું અને વર્તમાનમાં ગુસ્સો, નફરત, ઘૃણા કરતા રહેવું તે બીજી. ભૂતકાળ બદલાતો નથી પણ ભવિષ્ય બની તો શકે છે, બશરતે કે આપણે ભૂતકાળના ઘા ખોતરતા ન હોઈએ.
—————–
જે લોકો ‘હું ડિપ્રેસ્ડ છું’ એવા વિચારને સતત મમળાવતા હોય, તેમણે ‘હું નસીબદાર છું’ એવા વિચાર પર શિફ્ટ થઈ જવું જોઈએ. ડિપ્રેશનના વિચારો મોટાભાગે હકદારી ( ઈન્ટાઈટલમેન્ટ)ના અનુચિત ભાવમાંથી આવે છે; આ તો મને મળવું જ જોઈએ અથવા હું તો આને લાયક જ છું. જ્યારે કોઈ મહેનત કર્યા વગર જિંદગીનાં તમામ સુખ ભોગવવાની ટેવ પડી ગઈ હોય ત્યારે ડગલે ને પગલે ડિપ્રેશન આવે, કારણ કે બધું આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું.
આપણું ધાર્યું ના થાય એટલે બારણું બંધ કરીને રૂમમાં પુરાઈ જઈને દુઃખની કવિતાઓ લખવી એ ડિપ્રેશન ના કહેવાય. ડિપ્રેશન આપણી અમુક આદતો અને આપણી આસપાસના વાતાવરણમાંથી આવે છે. થોડા નિર્દયી થઈને ખુદને કોચલામાંથી બહાર કાઢીને કોઈ ઉદેશ્ય માટે લોહી-પાણી એક કરવાં એ સૌથી શ્રેષ્ઠ એન્ટિ-ડિપ્રેસન્ટ છે.
——————-
અભિપ્રાયો મોટાભાગે એકલતા લાવે છે. અભિપ્રાયો આપણને સીમિત કરે છે, વાડામાં કેદ કરે છે, જજમેન્ટલ બનાવે છે, બેતાલાં લાવે છે. એ આજુબાજુના લોકોથી આપણને ડિસ્કનેક્ટ કરે છે અને દુનિયાએ મારા વિચારો પ્રમાણે ચાલવું જોઈએ તેવી બીમાર જીદ પેદા કરે છે. એ આપણને માથાની અંદર ઈકો-ચેમ્બરમાં જાત સાથે બોલ-બોલ કરવા મજબૂર કરી દે છે. બહુ ઓછા લોકોને આપણા અભિપ્રાયોમાં સાચે-સાચ દિલચસ્પી હોય છે. સહમત તો ભાગ્યે જ કોઈ હોય છે. આપણા અભિપ્રાયની કિંમત ત્યારે જ ગણાય જ્યારે બીજા લોકો તેને આચરણમાં મૂકવા તૈયાર થાય. સોશ્યલ મીડિયા ડિપ્રેશન અને એકલતા લાવે છે, તેનું મૂળ કારણ આ છે; આપણે અસલમાં કનેક્ટ થવાને બદલે પાણી વચ્ચે ઘેરાયેલા ટાપુની જેમ અલગ-થલગ પડીને આપણા જ અભિપ્રાયોની જેલમાં કેદી રહીએ છીએ.
————-
ટોડ ફિલિપ્સ નિર્દેશિત અને જોકીન ફીનિક્સ અભિનીત ‘જોકર’ ફિલ્મ માનસિક અસ્વસ્થતાની સશકત અને પ્રામાણિક ફિલ્મ છે. જેણે પણ માનસિક ડીસઓર્ડરનો અનુભવ કર્યો હોય (અને એવા ઘણા છે, પણ ‘જોકર’ આર્થર ફ્લેકની જેમ, ‘મને કશું નથી’નો દેખાવ કરે છે) તેને આ ફિલ્મ બહુ સુસંગત લાગશે. આર્થર તીવ્ર ડિપ્રેશન અને પોસ્ટ ટ્રુમેટિક સ્ટ્રેસ ડીસઓર્ડરનો શિકાર છે. એને વાહવાહી જોઈએ છે, સ્વીકૃતિ જોઈએ છે, પ્રેમ જોઈએ છે. એ અપમાનનો શિકાર છે અને કસમયે પોક મૂકીને રડવાની કે છુટ્ટા મોંઢે હસવાની બીમારીથી પીડાય છે.
આર્થર એની ડાયરી/જોક બુકમાં લખે છે, “માનસિક બીમારીની સૌથી ખરાબ બાબત એ છે કે લોકો તમારી પાસેથી ‘કશું જ થયું નથી’ તેવા વ્યવહાર કરવાની અપેક્ષા રાખે છે.” અમેરિકામાં સામૂહિક ગોળીબારોની જે બીમારીથી લોકો પીડાય છે, આ ફિલ્મ એના પર એક અગત્યનો પ્રકાશ ફેંકે છે. એક સમાજ બહારથી એટલો બધો સમૃદ્ધ થઇ જાય કે એનું આંતરિક ખોખલું અને સતહી થતું જાય ત્યારે એક બીમાર પેઢીનો જન્મ થાય છે, જે તેની હતાશા અને જટિલતાઓને આવી રીતે હિંસામાં પ્રગટ કરે છે. ભારત જેવા વિકાસશીલ લોકો માટે આ એક સૂચક ચેતવણી છે.