આણંદ : વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલધામમાં હરિકૃષ્ણ મહારાજ અને દેવોની પ્રસન્નાર્થે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી, સેવાભાવી ભક્ત દ્વિતીબેન દીપેશભાઈ દેસાઈ (રહે. અમદાવાદ – હાલ ઓસ્ટ્રેલિયા) તરફથી એક હજાર કિલો જામફળ અન્નકુટમાં મુકી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. જેના દર્શનનો હરિભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. વડતાલ મંદિરમાં એક હજાર કિલો જામફળનો અન્નકુટ ધરી ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ અંગે મુખ્ય કોઠારી ડો.સંત સ્વામીએ જણાવ્યું હતું કે, ભગવાન શ્રીહરિને વડતાલ ખૂબ પ્રિય હતું. વડતાલમાં શ્રીહરિએ પોતાનું નિજ સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજ પધરાવ્યું હતું. વિશ્વ વસતા પોતાના આશ્રિતો માટે આચાર સંહિતા સમાવ શિક્ષાપત્રી લખી છે.
આચાર્યપદની સ્થાપના કરી છે. શ્રીહરિએ વડતાલધામના ચોકમાં ઉભા રહી કહ્યુ છે કે , જે કોઈ મનુષ્ય પ્રતિપૂર્ણિમાએ આ લક્ષ્મીનારાયણદેવ, શ્રીહરિકૃષ્ણ મહારાજના ભાવથી દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ થશે. દેશ-વિદેશમાં રહેતા હરિભક્તો અવનવા ઉત્સવ ઉજવે છે. જેમાં અમદાવાદ હાલ ઓસ્ટ્રેલિયા ખાતે રહેતા દ્વિતીબેન દેસાઈએ હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણદેવ સહિત આદિ દેવો સમક્ષ એક હજાર કિલો જામફળનો અન્નકુટ ધરાવ્યો હતો. બાદમાં નડિયાદ, પીજ, કરમસદ, વિદ્યાનગર, આણંદ, ડાકોરમાં આવેલા ચરોતરના વૃદ્ધાશ્રમો, દિવ્યાંગ આશ્રમો,અનાથ આશ્રમો અને મહિલા આશ્રમોમાં જામફળના પ્રસાદનું 1340 વ્યકિતઓને વિતરણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર વ્યવસ્થા શ્યામ સ્વામી એવા વડતાલધામના સ્વયંસેવકોએ સંભાળી હતી.