કામરેજ: વાવ નજીક કારમાં બાળકને સ્કૂલે મૂકવા જતી મહિલા ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગની ઘટનામાં ફોરેસ્ટ ઓફિસરના પતિ આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટરે કઠોર કોર્ટમાં કારમાં ફિટ કરેલા જીપીએસના ગુનામાં હાજર થવા માટે અરજી કરી હતી.
- વાવ નજીક ફાઇરિંગની ઘટનામાં પતિ કોર્ટમાં હાજર થવા આવ્યો ને પકડાઈ ગયો, મિત્રની પણ ધરપકડ
ગત ગુરુવારે કામરેજના જોખા ગામે માહ્યાવંશી ફળિયામાં રહેતા અને સુરત અડાજણ ખાતે વન વિભાગમાં મહિલા ફોરેસ્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતાં સોનલબેન અરવિંદભાઈ સોલંકી ચાર વર્ષના પુત્રને લઈ સ્કૂલે મૂકવા માટે સવારે ઘરેથી જોખા-વાવ રોડ પરથી જઈ રહ્યા હતા. ત્યારે વાવ ગામની હદમાં કારમાં સવાર મહિલા ફોરેસ્ટરને માથાના ભાગે ગોળી મારી દેવાની ઘટનાથી સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ હતી.
આ ગુનામાં ફોરેસ્ટર સોનલબેનના પતિ એવા આર.ટી.ઓ. ઈન્સ્પેક્ટર નિકુંજ કાંતિગીરી ગૌસ્વામી (હાલ રહે.,401, વિજયાલક્ષ્મી હિલ્સ, કવિ કલાપી ગાર્ડનની બાજુમાં, અડાજણ, મૂળ રહે.,મહેસાણા)એ જ ફાયરિંગ કરાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં સુરત જિલ્લા પોલીસે અલગ અલગ સાત ટીમ બનાવી અલગ અલગ રાજ્યોમાં તપાસ રહી હતી.
બુધવારે નિકુંજ ગૌસ્વામી સામે કામરેજ પોલીસ મથકમાં પત્ની સોનલબેનની વેગન કારમાં જીપીએસ ટ્રેકર લગાવવાના ગુનામાં હાજર થવા માટે કોર્ટમાં અરજી કરવામા આવી હતી. જે અરજી કોર્ટે નામંજૂર કરતાં કોર્ટની બહારથી કામરેજ ડિવિઝનના ડીવાયએસપી આર.આર.સરવૈયા, એલ.સી.બી. પી.આઈ. રાજેશ ભટોળ સ્ટાફ સાથે પહોંચી જઈ નિકુંજ ગૌસ્વામીને પકડી લીધો હતો. થોડીવારમાં જ તેનો મિત્ર ઈશ્વરપુરી માગુપુરી ગૌસ્વામી (હાલ રહે.,112, શિવમ સોસાયટી, સચિન, મૂળ રહે.,ચતરપુરા, જિ.રાજસંમદ, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી.
બંને પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતાં નિકુંજ ગૌસ્વામીના કહેવાથી મિત્ર ઈશ્વરપુરીએ મહિલા ફોરેસ્ટ ઓફિસર સોનલ સોલંકી પર ફાયરિંગ કર્યું હતું. આ બનાવના દિવસે નિકુંજ પોતે સુરતમાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે બંને આરોપીનું મેડિકલ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મિત્ર ઈશ્વરગીરી ગૌસ્વામી આઈસક્રીમની દુકાન ચલાવે છે
વાવ નજીક મહિલા ફોરેસ્ટ ઓફિસર પર ફાયરિંગની ઘટનામાં નિકુંજ ગૌસ્વામી પર પ્રેશર વધતાં આખરે કોર્ટનું શરણું લઈ હાજર થવા ગયો ને પકડાઈ ગયો હતો. ઈશ્વરગીરી ગૌસ્વામી પોતે સચિન વિસ્તારમાં પિતા સાથે આઈસક્રીમની દુકાન ચલાવે છે. ગુનામાં વપરાયેલું હથિયાર પણ કબજે કરવાનું હોઈ અને કોઈ બીજા આરોપી સંડોવાયેલા છે કે કેમ એ અંગે પણ પોલીસ તપાસ કરશે.