ઘણા લોકો પોતાની કૉર્પોરેટ જૉબ છોડીને કંઈક અલગ કરવા માગતા હોય છે. નિક્કી વાસ્કોનેઝ નામની મહિલાએ ૬૦,૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫૮ લાખ રૂપિયા)ની વકીલની નોકરી છોડીને પેટ સાઇકિક (પ્રાણીઓના મનોચિકિત્સક) બનવાનું નક્કી કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૦માં તેમણે પહેલી વખત ફુલટાઇમ પ્રૉપર્ટી લૉયરનું કામ કરતાં-કરતાં પ્રાણીઓ સાથે કઈ રીતે વાત કરવી એ વિશે સંશોધન શરૂ કર્યું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેમણે પેટ સાઇકિક તરીકેનો વ્યવસાય શરૂ કર્યો.
તેઓ હવે એટલાં સફળ છે કે તેમની પાસે આગામી ચાર મહિના માટે કોઈ અપૉઇન્ટમેન્ટ બાકી નથી. અમેરિકાના ફિલાડેલ્ફિયામાં રહેતાં નિક્કી પોતાની વકીલ તરીકેની નોકરીમાં ખુશ નહોતાં. ઘણા કલાક સુધી કામ કરવું પડતું, પરંતુ નોકરી બદલવાથી ડરતાં હતાં. પેટ સાઇકિક તરીકે તેમણે ટિકટૉક અકાઉન્ટ પણ બનાવ્યું છે, જેમાં તેમના ૧,૭૫,૦૦૦ ફૉલોઅર્સ છે. વળી ૪૦૦૦ લોકો વેઇટિંગ-લિસ્ટમાં છે. તેઓ ઇચ્છે કે નિક્કી તેમનાં પાલતુ પ્રાણીઓ સાથે વાત કરે. નિક્કી જાતે સંશોધન કરીને અને પુસ્તકો વાંચીને પ્રાણીઓ સાથે વાતચીત કરવાનું શીખ્યાં હતાં.
નિક્કી પોતાના ઘરના એક રૂમમાં બેસે છે અને પ્રાણીના ફોટા દ્વારા અભ્યાસ કરે છે. ટેલિપથીથી તેમને સવાલો પૂછે છે. તેઓ ઇચ્છે કે માલિક તેમનાં પાલતુ પ્રાણીઓની આંખ સરખી રીતે દેખાય એ રીતે ફોટો મોકલે. તેઓ પ્રાણી સાથે એક કલાક માટે વાત કરવાના ૨૮૦ પાઉન્ડ (અંદાજે ૨૭,૦૦૦ રૂપિયા) ચાર્જ કરે છે. મૃત્યુ પામેલાં પ્રાણીઓ સાથે પણ તેઓ વાત કરે છે. તેમને મળેલી અડધી કરતાં વધુ વિનંતીઓ તો આ પ્રકારની જ છે. નિક્કી મોટા ભાગે કૂતરા અને બિલાડી સાથે જ કામ કરે છે. જો કે ઘોડા, ગાય, ડુક્કર, વિવિધ પક્ષીઓ તેમ જ ગધેડા સાથે પણ કામ કર્યું છે. નિક્કીએ એક બિલાડીનો દાંત દુખે છે એ શોધી કાઢ્યું હતું, પરંતુ વેટસ ના પાડતો હતો, કારણ કે એક્સ-રેમાં કંઈ દેખાતું નહોતું. ખરેખર જ્યારે તેના નીચલા જડબાનો એક્સ-રે લીધો ત્યારે ત્યાં ફોડલી થઈ હોવાનું બહાર આવ્યું હતું.