સુરત (Surat): મોટા વરાછા (MotaVaracha) ખાતે વહેલી સવારે ચાલવા નીકળેલા (MorningWalk) ખેડૂતને (Farmer) કાર ચાલકે આવીને મહાદેવનું મંદિર ક્યાં છે તેમ પુછીને બાદમાં કારમાં નાગા બાવા બેઠેલા છે દર્શન કરવા હોય તો કરી લો તેમ કહ્યું હતું. આ નાગા બાવાએ ખેડૂતને તેણે પહેરેલું સોનું ઉતારી આપવાનું કહેતા તેઓએ કાઢીને આપી દીધું હતું અને મિનિટોમાં તો કારચાલક ત્યાંથી નીકળી જતાં ખેડૂતને છેતરાયાનો અહેસાસ થતા બાદમાં પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
- મોટા વરાછા ખાતે પીપળીયા ફળિયામાં રહેતા 57 વર્ષીય જયેશભાઇ રામુભાઇ પટેલ સાથે ઠગાઈ
- ખેડૂતનું 1.40 લાખનું સોનુ લીધા બાદ 5-10 મિનિટ પછી ભાન થયું ત્યાર સુધીમાં કાર ચાલક ત્યાંથી નાસી ગયો હતો
મોટા વરાછા ખાતે પીપળીયા ફળિયામાં રહેતા 57 વર્ષીય જયેશભાઇ રામુભાઇ પટેલ ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 13 ઓગસ્ટે સવારે સવા છ વાગ્યાના અરસામાં તેઓ શીતળા માતાના મંદિરથી મહાદેવ ચોકની વચ્ચે ચાલીને જતા હતા, તે વખતે તેમની પાછળથી એક સફેદ કલરની ફિગો ફોર વ્હિલર કાર આવી હતી.
કારની આગળ પાછળ નંબર નહતો. આ કાર તેમની પાસે આવીને ઉભી રહી હતી. તેમાં બેઠેલા ડ્રાઇવરે તેમને મહાદેવનું મંદિર ક્યાં છે તેમ પુછ્યું હતું. તેમણે તાપી કિનારે મહાદેવનું મંદિર આવેલું છે તેમ કહ્યું હતું. ત્યારે ગાડીમાં બેઠેલા ડ્રાઇવરે જયેશભાઈને ગાડીમાં ગિરનારી નાગા બાવા બેઠેલા છે.
તમારે દર્શન કરવા હોય તો કરી લો, તેમ કહેતા તેમની પાસે ઉભો રહ્યો હતો. અને આ નાગા બાવાએ જયેશભાઈ પાસેના સોનાના દાગીના માંગ્યા હતા. જયેશભાઈએ બે સોનાની ચેન તથા ત્રણ સોનાની વીંટી મળી આશરે 5 તોલા સોનું 1.40 લાખનું કાઢીને આપી દીધું હતું. અને કંઈ વિચારે તે પહેલાં તો કાર ચાલક ત્યાંથી નીકળી ગયો હતો.
થોડીવારમાં તેઓને અહેસાસ થયો કે તેમની સાથે ઠગાઈ થઈ છે. આ અંગે પરિવાર સાથે ચર્ચા કરીને ગઈકાલે તેમને ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.