તમને સાંભળીને આશ્ચર્ય થશે કે કોઈ દૂધ વેચવા માટે હેલિકોપ્ટર ખરીદી શકે છે, પરંતુ આ સાચું છે. હકીકતમાં મહારાષ્ટ્રના ભિવંડી શહેરમાં રહેતા ખેડૂત અને ઉદ્યોગપતિ જનાર્દન ભોઇરે ધંધાના સંબંધમાં દેશભરમાં ફરવા માટે એક હેલિકોપ્ટર (Helicopter) ખરીદ્યું છે. ખેડૂત હોવા સાથે, ભોઈર એક બિલ્ડર પણ છે અને તાજેતરમાં ડેરી વ્યવસાય શરૂ કર્યો છે, તેથી તેમણે કામના સંબંધમાં દેશના વિવિધ ભાગોમાં પ્રવાસ કરવો પડતો હોય છે.
પોતાની યાત્રા સરળ બનાવવા અને સમય બચાવવા માટે તેમણે 30 કરોડ રૂપિયામાં હેલિકોપ્ટર ખરીદ્યું છે. જનાર્દન કહે છે કે ડેરીના ધંધા માટે તેમને ઘણીવાર પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતની યાત્રા કરવી પડે છે, તેથી તેમણે હેલિકોપ્ટર જ ખરીદી લીધું છે. જનાર્દન ભોઇરે હેલિકોપ્ટરની જાળવણી માટે સુરક્ષા દિવાલ સાથે 2.5 એકર જમીનમાં હેલિપેડ બનાવ્યું છે. તેમજ હેલિકોપ્ટરના પાઇલટ માટે એક પાઇલટ રૂમ અને ટેકનિશિયન રૂમ પણ બનાવવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું હતું કે તેમનું હેલિકોપ્ટર 15 માર્ચે મળવાનું છે. તેમની પાસે 2.5 એકરની સાઇટ છે, જ્યાં તેઓ હેલિકોપ્ટર માટે હેલિપેડ અને અન્ય સુવિધાઓ ઊભી કરશે.
હકીકતમાં ઘણી મોટી કંપનીઓ પાસે ભિવંડી વિસ્તારમાં વેરહાઉસ છે, જેના કારણે તેમના માલિકોને સારું ભાડુ મળે છે. અહીંનો ગ્રામીણ વિસ્તાર આર્થિક રીતે એટલો સમૃદ્ધ છે કે મર્સિડીઝ, ફોર્ચ્યુનર, બીએમડબ્લ્યુ, રેંજ રોવર વગેરે જેવી મોંઘી મોંઘી કાર મોટી સંખ્યામાં જોવા મળે છે. જનાર્દન ભોઇર પાસે પણ ઘણાં વખારો છે, જેમાંથી તેઓ સારી કમાણી કરે છે.