નવી દિલ્હી: પશ્ચિમ દિલ્હીમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે લાગેલી આગમાં કંપનીના માલિકો વરુણ અને હરીશ ગોયલના પિતા અમરનાથનું પણ મૃત્યુ થયું હતું. કહેવામાં આવ્યું છે કે જે સમયે આગ લાગી તે સમયે મોટીવેશનલ સ્પીચ ચાલી રહી હતી અને અમરનાથ ત્યાં હાજર હતા. આગ લાગતા તેઓ ફસાઈ ગયા હતા અને બહાર નીકળી શક્યા ન હતા. જેથી અમરનાથ ગોયલ પણ અન્ય લોકોની જેમ આગમાં ગંભીર રીતે દાઝી ગયા હતા અને હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું. આજે સી.એમ કેજરીવાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી.
કેજરીવાલની 10 લાખની સહાયની જાહેરાત
દિલ્હી ગતરોજ બનેલા અગ્નિકાંડમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારને વળતર પેટે આર્થિક મદદ કરતા કેજરીવાલે 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાય કરવાની જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દુર્ઘટનાસ્થળે પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી. ઘટનાસ્થળે સ્થિતિનું આકલન કરવા માટે દિલ્હી સીએમ કેજરીવાલની સાથે સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને દિલ્હી પ્રશાસન, દિલ્હી ફાયર સેવા વિભાગ, દિલ્હી પોલીસના ટોપના અધિકારી પણ હાજર રહ્યા હતા. દિલ્હી સરકારના મજિસ્ટ્રેટે આ મામલે તપાસના આદેશ આપ્યા છે.
સીએમ અરવિંદ કેજરીવાલે ઘટના પર દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનામાં લાશો ઘણી ક્ષતિગ્રસ્ત થઈ છે. ઓળખાણ થતી નથી. જેથી હવે લાશની ઓળખ કરવા માટે એફએસએલ દ્વારા ડીએનએ કરવામાં આવશે. જેથી ખબર પડે કે, લાશ કોની છે. ઈશ્વરને પ્રાર્થના કરુ છું કે, પીડિત પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.
કંપનીનાં માલિક સામે મનુષ્યવધનો ગુનો
આગની સમગ્ર ઘટના મામલે પોલીસે કોમર્શિયલ બિલ્ડિંગમાં કંપનીના માલિક હરીશ ગોયલ અને વરુણ ગોયલ વિરુદ્ધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. તેમજ બંનેની ધરપકડ કરી છે.જ્યારે બિલ્ડિંગ માલિક મનીષ લાકરા હાલ ફરાર છે.
સર્ચ ઓપરેશન દરમિયાન મળ્યા માનવ અંગ
આગ બાદ ફાયર વિભાગ અને એનડીઆરએફએ સાવચેતીના પગલા તરીકે શનિવારે સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું. NDRFના જણાવ્યા અનુસાર અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં ઘણી જગ્યાએથી શરીરના અંગો મળી આવ્યા છે. જેથી મૃતકોની ઓળખ કરવા અને શરીરના અંગોની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ અને વડાપ્રધાને ઘટના મામલે દુઃખ વ્યક્ત કર્યું
દિલ્હીમાં થયેલી દુર્ઘટના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શોક વ્યક્ત કર્યો છે. તેમને મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યકત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ગોઝારી ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. PM મોદીએ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને PMNRF તરફથી બે-બે લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
ઘટનામાં 27 લોકો મોતને ભેટ્યા
ઉલ્લેખનીય છે કે, ગતરોજ દિલ્હીના પશ્ચિમ વિસ્તારમાં મુંડકા મેટ્રો સ્ટેશન પાસે સ્થિત 4 માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં આગ લાગવાથી 27 લોકોના મોત થયા હતા અને અન્ય 19 લોકો દાઝી ગયા હતા. જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.જ્યારે 19 લોકો હજુ પણ લાપતા છે. શુક્રવારે સાંજે આગ બિલ્ડિંગના પહેલા માળેથી શરૂ થઈ હતી, જ્યાં સીસીટીવી કેમેરા અને રાઉટર ઉત્પાદક કોફે ઈમ્પેક્સ પ્રાઈવેટ લિમિટેડની ઓફિસ હતી. આગને કાબુમાં લેવા માટે 30 થી વધુ ફાયર ટેન્ડરોને કામે લગાડવામાં આવ્યા હતા.