Charchapatra

સ્વ સુધારણા જ સૃષ્ટિ સુધારણાનું કારણ બને

માણસનું ચારિત્ર્ય માપવું હોય અને ઓળખવું હોય તો એવું કહેવાય છે કે, તેને સત્તા અને સંપત્તિ આપો. સત્તા અને સંપત્તિ હાથમાં આવતાં જ માણસનું અંદરનું ચારિત્ર્ય ઝળકી ઊઠતું હોય છે. ખીસ્સું ગરમ હોય ત્યારે માણસનો સ્વભાવ નરમ રહે એવી કળા ઘણાં ઓછાં લોકોને હસ્તગત હોય છે. રાવણ વિદ્વાન હતો તો યે અભિમાની હતો. વિદ્વત્તાનું પણ અભિમાન હોઈ શકે છે. વિદ્વત્તા માણસને નિરભિમાની બનાવે એ ખ્યાલ ખોટો. જ્ઞાન સાથે ડહાપણનો સમન્વય થાય ત્યારે જ માણસ વિનમ્ર અને સરળ બનતો હોય છે. આપબડાઈ અને આપખુદશાહીના આઇવરી ટાવરમાં રાચતો માણસ પોતાની આસપાસ એક કાલ્પનિક દુનિયા ઊભી કરી દેતો હોય છે. એને એવું થાય છે કે આની બહાર અન્ય કોઈ દુનિયા છે જ નહીં. લખાણ અને લખ્ખણ, વાણી અને વર્તન, હૈયું અને હોઠ વચ્ચેનું અંતર જેટલું વધુ એટલી દંભની સાઈઝ મોટી. સત્ય બોલનારને શું બોલાયું એ યાદ રાખવું પડતું નથી, નિખાલસ માણસને દંભ આચરવો પડતો નથી અને પ્રામાણિક માણસને પ્રમાણ આપવું પડતું નથી. હમસચ્ચાઈથી પીડાતાં લોકો જ્યારે અન્ય તરફ આંગળી ચીંધતાં હોય છે ત્યારે પોતાની તરફ વળેલી આંગળીને નજરઅંદાજ કરી દેતા હોય છે.

આવા વાંકદેખા લોકો વળી પોતાની ભવાઈને “લીલા” માં ખપાવતા હોય છે. શોર્ટ ટેમ્પર માણસ “ક્રોધ નિયંત્રણ” પર પ્રવચન આપે અને સતત અજંપ રહેતો માણસ “સ્થિતપ્રજ્ઞતા” પર પ્રવચન આપે ત્યારે કેવાં વરવાં લાગતાં હોય છે. પોતાના અઢાર વાંકા હોવા છતાં અન્યોના બે વાંકાવાળા તરફ અંગુલિનિર્દેશ કરતો વાંકદેખો માણસ “અંગુલિમાર” જેટલો જ ખતરનાક હોય છે. પોતે જ ધારી લીધેલાં સત્યો, સિદ્ધાંતો અને સંસ્કારોને અન્ય પર ઠોકી બેસાડવા એ પણ એક પ્રકારની “સૂક્ષ્મ” સરમુખત્યારશાહી જ છે. દુરાગ્રહ અને હઠાગ્રહને જ આગ્રહ સમજતો માણસ પૂર્વગ્રહપીડિત હોય છે. લવ અને લફરાં વચ્ચેના તફાવતને ન સમજતા માણસને ક્યારેય સાચા પ્રેમની વિભાવના સમજાતી નથી. દુનિયાને સુધારવા નીકળેલો માણસ “જાત સુધારણા” માં ઝાંખવાનું ભૂલી જતો હોય છે.
સુરત     – પ્રેમ સુમેસરા     – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top