નડિયાદ: ડાકોરમાં આવેલા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળાએ સરકારી નોકરી અપાવવાની તેમજ લગ્ન કરવાની લાલચ આપી હોસ્પિટલમાં જ એપ્રેન્ટીસ તરીકે સેવા આપતી 28 વર્ષીય ડોક્ટર યુવતી ઉપર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ મામલે ડાકોર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આશ્ચર્યજનક બાબતે એ છે કે, સન 2016માં મહેમદાવાદ ખાતે યોજાયેલાં એક કાર્યક્રમ દરમિયાન ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલના ડો.અજય વાળાને તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે બેસ્ટ ડોક્ટરનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
ડાકોરમાં રહેતી 28 વર્ષીય ડોક્ટર યુવતી ડાકોર સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં એપ્રેન્ટીસ તરીકે સેવા આપતી હતી. દરમિયાન આ યુવતિ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો.અજય વાળા (રહે.આણંદ) ના સંપર્કમાં આવી હતી. જે બાદ બંને વચ્ચે તબીબી કામ અર્થે અવારનવાર મુલાકાત થતી હતી. જે દરમિયાન ડો.અજય વાળાએ તે યુવતીને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી, સંપર્કમાં રહેવા જણાવ્યું હતું. જેથી સરકારી નોકરીની લાલચ ઉપરાંત સિનિયર ડોક્ટર પાસેથી કંઈક નવું શીખવા અને જાણવા મળશે તેવા આશય સાથે યુવતી ડો.અજય વાળાના સંપર્કમાં રહેવા લાગી હતી. બીજી બાજુ ડો.અજય વાળા અવારનવાર યુવતીને પોતાની ઓફિસમાં બોલાવતો હતો અને એકલતાનો લાભ લઈ અડપલાં કરતો હતો.
ડો.અજય વાળાએ લગ્ન કરવાની લાલચ આપી આ ડોક્ટર યુવતીને હોસ્પિટલના ક્વાટર્સમાં તેમજ આણંદ ખાતે આવેલા પોતાના મકાનમાં લઈ જતો હતો અને ત્યાં અવારનવાર દુષ્કર્મ ગુજારતો હતો. આ મામલે ભોગ બનનાર યુવતી અને તેના પરિવારજનોએ ગુરૂવારના રોજ ડાકોર પોલીસમથકમાં જઈ નરાધમ ડો.અજય વાળા સામે ફરીયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ડો.અજય વાળા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
યુવતીને છુટાછેડા લેવા દબાણ કરતો હતો
ભોગ બનનાર યુવતીના થોડા મહિનાઓ અગાઉ અન્ય યુવક સાથે લગ્ન થયાં હતાં. જે બાદ પણ ડો.અજય વાળા અવારનવાર ડોક્ટર યુવતિ ઉપર બળજબરીપૂર્વક જાતિય અત્યાચાર ગુજારતો હતો. તેમજ છુટાછેડા લઈ લેવા પણ દબાણ કરતો હતો. ડોક્ટરના ત્રાસથી યુવતીનું જીવન બરબાદ થાય તેવો ઘાટ સર્જાયો હતો. ડો.અજય વાળા એકાદ-બે વાર યુવતિની સાસરીમાં પણ પહોંચી ગયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.