SURAT

સુરતના લાલદરવાજામાં ઘોડાને જીવલેણ રોગ થતાં દોડધામ, મનુષ્યમાં પણ ફેલાઈ તેવો ડર

સુરત: શહેરનાં લાલદરવાજા વિસ્તારમાં અશ્વમાં ગ્લેંડર નામનો રોગચાળો જોવા મળતાં તંત્ર સાબદું થઈ ગયું છે, કેમકે આ રોગચાળો પશુઓમાંથી માનવીઓમાં ફેલાવવાની શક્યતા ખૂબ વધારે છે, વળી તજજ્ઞોના મતે ગ્લેંડર રોગથી પશુઓમાં 100 ટકા મૃત્યુ દર છે. આ સ્થિતિમાં લાલ દરવાજાથી પાંચ કિલોમીટરના અંતરમાં આવેલા તમામ ઘોડા, ખચ્ચર, ગધેડા વિગેરે અશ્વકૂળના પશુઓની સેમ્પલ લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સૌથી મોટો ચિંતાનો વિષય છે હાલ લગ્નસરા ચાલી રહ્યાં છે અને અત્યારે વરઘોડામાં બગીઓની ડિમાન્ડ ખૂબ છે. જેમાં ઘોડા જોડાયેલા હોવાથી જો અશ્વમાં ગ્લેંડરની અસર હોય તો તે ઝડપભેર માનવસમૂહમાં પ્રસરી શકે છે. જેના કારણે તત્કાળ ધોરણે તંત્ર દ્વારા એવા આદેશ કરવામાં આવ્યા હતા કે લગ્નમાં વરઘોડા માટે લવાયેલો ઘોડો તંદુરસ્ત છે કે નહિં તે માટે સરકારી પશુ ચિકિત્સકનું પ્રમાણપત્ર મેળવવું પડશે.

લગ્નમાં ઘોડાગાડી પર વરરાજાને બેસાડવું હવે જોખમી, સુરતના તંત્રએ ઘોડાના ઉપયોગ પહેલાં આ પેપર રજૂ કરવા આપ્યા આદેશ

  • એક તરફ લગ્નની સિઝન પુરબહારમાં છે, વરઘોડામાં અશ્વની બોલબાલા છે વચ્ચે લાલદરવાજા વિસ્તારમાં ઘોડામાં ગ્લેંડર નામનો જાનલેવા રોગચાળો દેખાતા તંત્ર સાબદું
  • આ રોગચાળો પશુમાંથી માનવીઓમાં ફેલાવવાની શક્યતા બળવત્તર છે અને સાથે સાથે ગ્લેંડરથી પશુઓનો મૃત્યુદર 100 ટકા હોવાથી તનાવની સ્થિતિ
  • પશુ ચિકિત્સા અધિકારી દ્વારા લાલ દરવાજાથી પાંચ કિલોમીટરની ત્રિજયામાં અશ્વ, ગંદર્ભ, ખચ્ચર, પોની જેવા પશુઓને આ વિસ્તાર બહાર લઈ જવા અને લાવવા પર પ્રતિબંધ

ગ્લેંડર એ અશ્વ કુળનાં ગર્દભ, અશ્વ, ખચ્ચર જેવા પ્રાણીઓમાં બેક્ટેરીયલ (જીવાણું)નાં કારણે થતો રોગ છે. લાલદરવાજા વિસ્તારમાં આવેલાં અશ્વમાં ગ્લેંડરનો રોગચાળો જોવા મળ્યો છે. જેથી ચોર્યાસી તાલુકાના પશુ ચિકિત્સા અધિકારી અને ડિસિઝ કન્ટ્રોલ લાયઝન અધિકારીએ એક જાહેરનામા દ્વારા કેન્દ્ર સરકારનાં નોટીફિકેશન “The Prevention and Control of infectious and Contagious disease in Animal Act-2009 Chapter-III, Part-20 અન્વયે સુરત શહેરનાં લાલદરવાજાથી પાંચ કિ.મી.ના ત્રિજયામાં સમાવિષ્ટ વિસ્તારનાં અશ્વ,ગદર્ભ, ખચ્ચર , પોની જેવા અશ્વકુળના પશુઓને આ વિસ્તારમાંથી બહાર લઈ જવા ઉપર અને બહારથી અંદર લાવવા ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.એમ પશુ ચિકિત્સા અધિકારી અને ડિસિઝ કન્ટ્રોલ લાયજન અધિકારીએ જણાવ્યું હતું.

ગ્લેંડરથી ગ્રસ્ત ઘોડાને ઈચ્છામૃત્યુ આપવામાં આવે છે
અત્રે ઉલ્લેખનિય છે કે, ગ્લેન્ડર રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાવાની શકયતાને લીધે ઘોડાને ઇચ્છા મૃત્યુ આપવામાં આવે છે. વર્ષ 2021 માં છોટાઉદેપુરના ક્વાંટમાં ઘોડામાં ગ્લેન્ડર રોગ પોઝિટિવ આવતાં તંત્રએ સુરત જેવું જાહેરનામું બહાર પાડ્યું હતું. કવાંટમાં એક ઘોડામાં બેક્ટેરિયાથી થતો ચેપી રોગ ગેલન્ડરનો રિપોર્ટ પોઝિટિવ આવતાં રોગગ્રસ્ત ઘોડાને ઝેરી ઈન્જેક્શન આપી મારી નાખી ઘોડાના મૃતદેહનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવામાં આવ્યો છે. 2022 માં અમદાવાદના બાવળામાં આ ગ્લેન્ડરનો રોગ જોવા મળ્યો હતો, ત્યારે ઘોડાની ઇવેન્ટ્સ બંધ થઈ ગઈ હતી. એવી જ રીતે જામનગર જિલ્લામાં પણ આ રોગ જોવા મળ્યો હતો. તેના કારણે ઘણાં સમયથી અશ્વોની લે-વેચ પણ બંધ થઈ ગઈ છે.

લગ્નની જાન માટે ઘોડો તંદુરસ્ત હોવાનું પ્રમાણપત્ર લેવું પડશે
લગ્નની જાનમાં જો ઘોડા કે બગીનો ઉપયોગ થાય તો સરકારી પશુ ચિકિત્સકનું પ્રમાણપત્ર લેવું પડશે. ઘોડો પશુઓના ડૉક્ટર દ્વારા સ્વસ્થ પ્રમાણિત કરાયેલો હોય તો જ લઈ જઈ શકાશે નહિંતર જાનૈયાના આરોગ્ય પર પણ જોખમ ઊભું થઈ શકે છે. સ્વભાવિક રીતે જાન કાઢવા માંગતા સુરતીઓએ જાતે જ સમજદારી વાપરી બગીમાં વરરાજાને બેસાડવાનું અને જાનમાં ઘોડાને લાવવાનું ટાળવું જોઈએ કેમકે પશુઓના આ રોગથી માનવીના જાનને જોખમ થઈ શકે છે.

ભારતમાં 2006 બાદ આ રોગે ફરીથી માથું ઊંચક્યું છે
ઇંગ્લૅન્ડ, અમેરિકા તથા કેનેડામાં 19મી સદીના શરૂઆતમાં જ આ રોગ નાબુદ થઈ ગયો હતો. જોકે, ભારતમાં 2006 બાદ આ રોગે ફરી માથું ઊંચક્યું છે. કેટલાક નિષ્ણાતોના માનવા પ્રમાણે, આ રોગ જવલ્લેજ જોવા મળે છે. પરંતુ તેની ગંભીરતાને કારણે હવે હોર્સ કોમ્પિટિશન અને હોર્સ બ્રીડિંગ શો બંધ રહેશે.ઘોડા વેચવાવાળા પશુપાલકોને ને ઘોડી નચાવતા લોકોને પણ નુકસાન જશે. ICAR-NRCEના અહેવાલ પ્રમાણે, વર્ષ 2016-2017 દરમિયાન ગ્લેન્ડરના 143 કેસ નોંધાયા હતા અને નવ રાજ્યોને સતર્ક કરવામાં આવ્યા હતા. દેશમાં ઘોડાઓ માટેની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રિસર્ચ સેન્ટર ઑન એક્વાઇન્સ (ICAR-NRCE) છે, જેનું મુખ્ય મથક હરિયાણાના હિસાર ખાતે આવેલું છે.

Most Popular

To Top