Gujarat Main

અથાણાનો અડધો ડબ્બો પુરો થયો પછી અંદરથી મળી મરેલી ગરોળી, અમદાવાદનો પરિવાર આઘાતમાં

અમદાવાદ: છેલ્લાં કેટલાંક સમયથી ખાવાપીવાની ચીજવસ્તુમાંથી જીવજંતુઓ નીકળવાની ઘટનાઓ બની રહી છે. બહારના ચટાકાનો શોખ ધરાવતા લોકોને આઘાતમાં મુકી દે તેવી વધુ એક ઘટના અમદાવાદમાં બની છે. અહીં અથાણામાંથી ગરોળી નીકળી છે.

અમદાવાદના જોધપુર વિસ્તારના રાવલ પરિવારને કડવો અનુભવ થયો છે. રાવલ પરિવારે એક મહિના પહેલાં 28મી મેના દિવસે વેજલપુરના શ્રેયસ કોમ્પલેક્સના જૈન ગૃહ ઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. રાવલ પરિવાર રોજ આ અથાણું આરોગતો હતો.

પરંતુ ગઈકાલે તા. 27 જૂનના રોજ અચાનક અથાણાની બરણીમાંથી મૃત ગરોળી નીકળી હતી, જે જોઈ પરિવાર ચોંકી ગયો હતો. પરિવાર છેલ્લાં એક મહિનાથી મૃત ગરોળીવાળું અથાણું ખાતો હતો. દરરોજના વપરાશના લીધે છેલ્લાં એક મહિનાથી પરિવારના સભ્યો ઝાડા ઉલટી થઈ રહી હતી. ઈલાજ કરાવવા છતાં સારું થતું નહોતું. પરિવારે સપનામાં પણ વિચાર્યું નહોતું કે તેઓ રોજ જે અથાણું ખાઈ રહ્યાં છે તેના લીધે તેમની તબિયત બગડી છે.

પરિવારના સભ્ય હિનાબેન રાવલે કહ્યું કે, એક મહિના પહેલાં ગોળકેરીના અથાણાનો ડબ્બો કરીદયો હતો. અડધા ઉપર અથાણું ખાઈ લીધું છે. ગઈકાલે રાત્રે અથાણું ખાવા માટે કાઢ્યું અને જોયું તો તેમાં મરેલી ગરોળી હતી. પહેલાં મને એમ કે કેરીનો ટુકડો હશે પરંતુ ધ્યાનથી જોયું તો તે મરેલી ગરોળી હોવાનું કન્ફર્મ થયું હતું.

અથાણાનું મેન્યુફેક્ચરિંગ કરતી સાણંદની કંપનીને જાણ કરવા ફોન કર્યો તો કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં. સોરી ભૂલ થઈ ગઈ, ડબ્બો બદલી આપીશું એવું કહી દીધું.

પંજાબી સબ્જીમાંથી વંદો નીકળ્યો હતો
થોડા દિવસ પહેલાં અમદાવાદના નરોડા વિસ્તારની મયૂર હોટલના પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. તો 19 જૂનના દિવસે નિકાલની દેવી ઢોંસા રેસ્ટોરન્ટના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું. જ્યારે જામનગરમાં બાલાજી વેફરના પેકેટમાંથી મરેલો દેડકો મળ્યો હતો.

Most Popular

To Top