દારૂબંધીના કાયદાનો સરેઆમ ભંગ કરતા બુટેલગરો ઠેરઠેર બેફામ દારૂના અડ્ડા ચલાવતા હોય છે. આવો જ એક અડ્ડો સુરતના પોશ વિસ્તાર ગણાતા પાલ-પાલનપુર ગામમાં ધમધમતો હતો ત્યાં એક સ્થાનિક મહિલાએ જનતા રેડ કરી તેનો વીડિયો વાયરલ કરતા પોલીસ દોડતી થઈ ગઈ છે.
દારૂના દૂષણ અને અસામાજિક તત્વોના ત્રાસથી કંટાળી સ્થાનિક મહિલાઓએ પોલીસની રાહ જોયા વિના જાત જ દારૂના અડ્ડા પર જનતા રેડ કરતા બુટેલગરનો જીવ અદ્ધર થઈ ગયો હતો. પાલનપુર ગામના મહાદેવ ફળિયામાં રહેણાંક વિસ્તારમાં ચાલતા દેશી દારૂના અડ્ડાને લીધે યુવતીઓની સુરક્ષા જોખમાતી હોવાના લીધે મહિલાઓ રણચંડી બની હતી અને અડ્ડા પર જનતા રેડ કરી હતી.
બુટલેગરે જ્યારે મહિલાને પૂછ્યું કે તમને શું નડે છે?, ત્યારે મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને દારૂની પોટલીઓ રસ્તા પર ફેંકી દીધી હતી. કાંખમાં બાળકને તેડીને મહિલાએ દારૂના અડ્ડા પર રેડ કરતા બુટલેગર પણ જોતો રહી ગયો હતો. ઘટનાની જાણ થતા પાલ પોલીસનો કાફલો અડ્ડા પર દોડી ગયો હતો. લોકોએ પોલીસની નિષ્ક્રિયતા પર સવાલ ઉઠાવ્યા હતા. મહિલાઓને ખબર પડતી હોય કે અહીં અડ્ડો ચાલે છે તો તે પોલીસને કેમ દેખાતું નથી?