બાલાસિનોર “ બાલાસિનોરના પાંડવા ગ્રામ પંચાયતના વીસીઇ એટલે કે કોમ્પ્યુટર ઓપરેટરની સેવા સમાપ્ત કરતાં વિવાદનો વંટોળ જાગ્યો છે. સભ્યોએ આક્ષેપ કર્યો છે કે સરપંચ અને તલાટીએ કોઇને વિશ્વાસમાં લીધા વગર આ નિર્ણય લીધો છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને પણ રજુઆત કરવામાં આવી છે. પાંડવા ગ્રામ પંચાયતની 13મી સપ્ટેમ્બર,21ના રોજ મળેલી સામાન્ય સભામાં વીસીઈની ગેરરીતિ અંગે તેની સેવાઓ સમાપ્ત કરવા ઠરાવ મંજુર કરવામાં આવ્યો હતો. આ અંગે ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ હિતેશભાઈ સોમાભાઈ વાળંદ વિરોધ કરતાં તાલુકા વિકાસ અધિકારીને રજુઆતમાં જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતની 13મી સપ્ટેમ્બરની સામાન્ય સભામાં વીસીઇનું માફીપત્ર લઇ મિતુલકુમાર સેવકને સર્વ સંમતિથી વીસીઇના હોદ્દા પર કામ કરવા માટે બહાલી આપી હતી.
બાદમાં તલાટી કમ મંત્રીએ રૂબરૂ માફી પત્ર પણ લખાવેલું હોવા છતાં સરપંચ અને તલાટી કમ મંત્રી દ્વારા સભ્યોની વિરોધમાં જઇને તેને છુટા કરવાનો પત્ર તાલુકા પંચાયતમાં રજુ કર્યો છે. સરપંચે સભ્યોની સંમતિ વગર નિર્ણય લીધો હોવાથી તેનો બહિષ્કાર કરીએ છીએ. આ રજુઆત સાથે 13મીની સભામાં મિતુલકુમાર સેવકની સેવાઓ ચાલુ રાખવા માટે સર્વ સંમત છે, તે અંગે સાત સભ્યોની સહી સાથેનો ઠરાવ પણ રજુ કર્યો છે. જોકે, વીસીઇને છુટા કરવા જિલ્લા વિકાસ અધિકારીની મંજુરી લેવી ફરજીયાત છે. પાંડવા ગામમાં થતી ચર્ચાઓ મુજબ પંચાયતના ૮માંથી ૭ સભ્યો વીસીઈને નોકરીમાં રાખવા સંમત છે. આમ પાંડવા પંચાયતના વધુમતી સભ્યો એ રજુઆત કરતા હવે આ મામલો તાલુકા વિકાસ અધિકારી પાસે પહોંચ્યો છે.