બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવી જેલ મોકલવા પહેલવાનોએ વડાપ્રધાનને કરી અપીલ – Gujaratmitra Daily Newspaper

National

બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવી જેલ મોકલવા પહેલવાનોએ વડાપ્રધાનને કરી અપીલ

નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ (BrijBhushan Sharan Sinh) વિરુદ્ધ આજે જ FIR દાખલ કરવામાં આવશે. સમગ્ર દેશમાં આ મામલો ગરમાયા બાદ સોલિસિટર જનરલ (SG) એ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે આ મામલે આજે જ FIR નોંધવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન કુસ્તીબાજોએ (Wrestlers) સુરક્ષાની માંગ કરી હતી. તેમણે કહ્યું કે તેમની સુરક્ષા માટે વિશેષ ટાસ્ક ફોર્સ (Task Force) તૈનાત કરવી જોઈએ. હાલમાં કોર્ટે કેસની વધુ સુનાવણી આગામી સપ્તાહ પર મુલતવી રાખી છે.

દરમિયાન પહેલવાન વિનેશ ફોગાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે તેઓ બ્રિજભૂષણ શરણ સિંહને તમામ પદો પરથી હટાવીને જેલ ધકેલી દેવામાં આવે. આ સાથે જ જ્યાં સુધી બ્રિજભૂષણ શરણ સિંહને જેલના સળિયા પાછળ ધકેલવામાં નહીં આવે ત્યાં સુધી ધરણાં પ્રદર્શન ચાલુ રાખવાનું એલાન પહેલવાનોએ કર્યું છે.

સુનાવણી દરમિયાન બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ નોંધાયેલા 40 કેસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે (Kapil Sibbal) કહ્યું કે તેઓ મહિલા કુસ્તીબાજોની સુરક્ષાને લઈને ચિંતિત છે. તેમની પાસે પુરાવા છે કે ધરણા પર બેઠેલા રેસલરોને જોખમ છે. આ દરમિયાન સોલિસિટર જનરલે કહ્યું કે પોલીસ કમિશનર ત્યાં હાજર છે. તે સુરક્ષા સંબંધિત બાબતો સંભાળશે.

સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હાની બેંચ સમક્ષ આ મામલો રજૂ કર્યો હતો. એસજી તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે દિલ્હી પોલીસ આજે સાંજ સુધીમાં એફઆઈઆર નોંધશે.

વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સર્વોચ્ચ અદાલતને નિવૃત્ત ન્યાયાધીશની દેખરેખ હેઠળ મહિલા કુસ્તીબાજોને સુરક્ષા પ્રદાન કરવા માટે નિર્દેશ જારી કરવા વિનંતી કરી હતી. દિલ્હી પોલીસ વતી હાજર રહેલા એસજી તુષાર મહેતાનું કહેવું છે કે પોલીસ આ તમામ ચિંતાઓને ઉકેલી શકે છે.

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને સગીર છોકરીને સુરક્ષા પ્રદાન કરવા માટે લેવામાં આવેલા પગલાંનો ઉલ્લેખ કરતું સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને ધમકીની ધારણાનું પર્યાપ્ત મૂલ્યાંકન કરવા અને સગીર છોકરીને સુરક્ષા આપવાનો નિર્દેશ આપ્યો છે. દિગ્ગજ કુસ્તીબાજો બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપો પર કાર્યવાહીની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ધરણા પર બેઠા છે.

જણાવી દઈએ કે કુસ્તીબાજોએ સોમવારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કુસ્તીબાજ વિનેશ ફોગટ અને અન્ય 6 મહિલા કુસ્તીબાજોએ એક અરજી દાખલ કરીને રેસલિંગ ફેડરેશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ FIR દાખલ કરવાની માંગ કરી છે. કુસ્તીબાજોએ કહ્યું કે તેઓએ 21 એપ્રિલે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી, પરંતુ તેના આધારે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Most Popular

To Top