Vadodara

બે ભેજાબાજોએ એક કંપનીના ડેટા ચોરી 24.73 લાખનુ કોભાંડ આચર્યું

વડોદરા: બે ભેજાબાજોએ વિદેશમાં નોકરી અપાવતી કંપનીમાં નોકરી કરતા કરતા કામ શીખી તેના પ્રાઈવેટ ડેટા ચોરી પોતાની બોગસ કંપનીમાં તે ડેટા ઉપયોગ કરી વિશ્વાસઘાત કર્યો હોવાનો મામલો બન્યો છે. કંપનીના ડાયરેક્ટરે બે માસ્ટરમાઈન્ડ વિરૂદ્ધ કુલ રૂ.24.73 લાખની છેતરપીંડી તેમજ પ્રાઈવેટ ડેટા ચોરી તેનો ઉપયોગ કરી કંપનીને મોટું આર્થીક નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધાવી છે.

મુળ આસામના અને હાલ વડોદરા અટલાદરા લેંડમાર્ક કોમ્પ્લેક્ષમાં રહેતા અભીષેક ઓમપ્રકાશ મીશ્રા(ઉ.વ.30) પ્રોકેચર્સ ઈન્ડિયા પ્રા.લી. કંપનીમાં ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમને પોલીસને જણાવ્યું હતું કે, ઉપરોક્ત કંપની યુએસએ બેઝ છે. જે યુએસએમાં નોકરી અપાવવાનું કામ કરે છે. ગત વર્ષ 2016માં સાગર બસંતાની (રહે, વારસીયા વડોદરા) ટેકનીકલ રીક્રુટર તરીકે નોકરી કરતો હતો. અને હિરલ વધવાણા (રહે, હરણી રોડ વડોદરા) એકાઉંટ મેનેજર તરીકે નોકરી કરતી હતી.

બંનેને નોકરી બાબતે તેમજ કંપનીના કોંફીડેન્સીઅલ ડેટા અને માહિતી માટે પણ ટ્રેનીંગ આપવામાં આવી હતી. વર્ષ 2021માં હિરલએ અમારી કંપનીમાંથી વગર વ્યાજે હાઉસીંગ લોનના નામે રૂ.8 લાખ લીધા હતા. ગત ડીસેમ્બર મહિનામાં સાગરે કંપનીમાંથી રીઝાઈન આપી દિધું હતું. દરમિયાન કંપનીને જાણવા મળ્યું હતું કે, સાગર અને હિરલે મળી યુએસએમાં “બ્લુબેરી સ્ટાફીંગ એલ.એલ.સી”નામથી બોગસ કંપની ઉભી કરી છે. અને અમારી કંપનીએ તેમને જે પ્રાઈવેટ ડેટા આપ્યા હતા તેને ચોરી કરી પોતાના લાભ માટે ઉપયોગ કરે છે.

અભીષેકે હિરલ પર આક્ષેપ કર્યો હતો કે, તેને અમારી કંપનીમાંથી લીધેલી હાઉસીંગ લોન પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કર્યો હતો. તેમજ અત્યારસુધી સાગરનો પગાર રૂ.7.33 લાખ, હિરલનો પગાર રૂ.9.74 લાખ તથા લોનના રૂ.7.65 લાખ મળી કુલ રૂ.24.73 લાખનું કંપનીને નુકસાન પહોંચાડ્યું છે. તેમજ કંપનીના પ્રાઈવેટ ડેટા ચોરી કરી વધુ મોટું આર્થીક નુકસાન પહોંચાડ્યું છે. આ મામલે વડોદરા સાયબર સેલે ફરિયાદ નોંધી બંને ભેજાબાજોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top