સમાજ એક દુષ્કર્મ ઘટના કહી ટીકા કરી બેસી રહે છે.પોલીસ લાંબીલચક કાર્યવાહીમાં વ્યસ્ત રહે છે. પરિવારજનો શોક, દુઃખ,આઘાત, શરમ-સંકોચ,દલીલો સાથે કોર્ટ અને સમાજ સામે ઝઝૂમતા રહે છે. આ બધાની વચ્ચે ભોગ બનનાર દીકરી મૃત્યુ પામે તો તેનું શરીર અગ્નિદાહ માટે વલોપાત કરતું રહી જાય છે. આ પોસ્ટ મોર્ટમ ફોર્માલિટીમાંથી આ વેદનામાંથી છૂટકારો મળે અને જો દીકરી જીવી જાય તો તેનું શરીર રોજેરોજ એ વેદના ઘટના એ બળાત્કારીને પોતાના પર પોતાના દિમાગ પર આત્મા પર ભોગ બનાવતું રહે છે અને પછી ફરી એક નવી દીકરી એક નવી ઘટના??
લોકોના તર્કવિતર્ક પ્રમાણે બળાત્કાર માટે જવાબદાર છે.ટૂંકાં કપડાં, દારૂનો નશો, અભદ્ર મુવી સંસ્કાર પણ હું આ તર્કો સાથે સહમત નથી.જો છોકરીઓના ટૂંકાં કપડાં આકર્ષિત દેખાવાથી જ હવસ ઊભી થતી હોય તો પચાસ વર્ષની આધેડ પર અને બે વર્ષની માસૂમ બાળકી ઉપર પણ બળાત્કાર થાય છે.આવી ઘટનામાં કોણ જવાબદાર? પોર્ન વીડિયો દરેક વ્યક્તિ જોતી હોય છે પરંતુ તે જોનાર દરેક વ્યક્તિ બળાત્કારી નથી હોતો. દરેક દારૂડિયો બળાત્કાર નથી કરતો. કોઈ પણ પરિવારજનો કે માતા-પિતા પોતાનાં બાળકોને એવા સંસ્કાર તો નથી જ આપતા કે મોટો થઈને બળાત્કારી બનજે અને સ્ત્રી જાતિને તાડિત કરજે.
તો પછી હવે શું બળાત્કારને અલ્પવિરામ કે બળાત્કારીને પૂર્ણવિરામ કઈ રીતે આપી શકાય. પરિવારમાં સ્ત્રી પ્રત્યે આદરણીય વ્યવહાર રાખવો જોઈએ.એ પછી માતા, બહેન, પુત્રી, પુત્રવધૂ કે દીકરી જ કેમ ન હોય, પરિવારમાં પહેલેથી જ સ્ત્રી પ્રત્યે જો આદર-સત્કાર સાથે પૂજનીય વ્યવહાર થતો હશે તો પુરુષ તત્ત્વ બળાત્કાર કે હિંસા તો બહુ દૂરની વાત છે.અપશબ્દો બોલતાં પણ થોડો સંકોચ તો અનુભવશે જ.શાળામાં જેન્ડર એજ્યુકેશન અને ખોટા પગલાંથી શું ગંભીર પરિણામ આવી શકે તેના એજ્યુકેશન પર વધુ ને વધુ ભાર આપવો.
કાયદા કાનૂન બળાત્કારીઓ માટે ઝડપી નિર્ણય અને કડક નિયમો બનાવો અને ફાંસી જેવી સજા સમાજનાં લોકો સમક્ષ એક દાખલો બેસી જાય તેવા હેતુથી જાહેરમાં આપો, બળાત્કારીઓને કોઈ પણ સંજોગોમાં જમાનત ન મળવી જોઈએ.સમાજે પોતાની ટીકા-ટિપ્પણી ભોગ બનનાર અબળા પર નહીં, પરંતુ બળાત્કારી વ્યક્તિ અને તેના પરિવાર પર કરવી જોઈએ, જેથી ભોગ બનનાર બાળાને પોતાનો વિરોધ દર્શાવવાની હિંમત આવે. સમાજે ભોગ બનનાર બાળાઓને ઈજ્જત સાથે સ્વીકાર કરવો જોઈએ.કારણ કે ખરેખર તો અબળા પોતાની ઇજ્જત નથી ગુમાવી, પરંતુ બળાત્કારીએ પોતાના વંશની ઈજ્જત કોઈ લાચાર અબળાની ગોખમાં મૂકીને ગુમાવી છે.
પાદરા-સોનલ.આઈ.પઢિયાર– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.