વડોદરા: કેન્દ્ર સરકાર ની ખેડૂત વિરોધી નીતિને પગલે ખેડૂતોનું આંદોલન આજ દિન સુધી અવિરત ચાલુ છે. આગામી 27મી સપ્ટેમ્બરના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હોઈ તેને સફળ બનાવવા માટે સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા( કમ્યુનિસ્ટ) દ્વારા નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાગરિક સંમેલન માં બહારગામથી લોકો જીડાઈ શકે તે માટે ઓન લાઈન તેમજ ઓફ લાઈન બન્ને રીતે વ્યવસ્થા રાખવામાં આવી હતી. ઓફ લાઈનમાં 15 જેટલા લોકો જોડાયા હતાં અને ઓન લાઈનમાં 45 લોકો જોડાયા હતા.
છેલ્લા દસ મહિનાથી ભારતના પાટનગર દિલ્હી ની બોર્ડર પર જબરદસ્ત ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. 600થી વધુ ખેડૂતોએ શહીદી વહોરી છે. સંયુક્ત કિસાન મોરચા દ્વારા આંદોલનના ભાગરૂપે આગામી ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.તેના સમર્થનમાં સોશ્યાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા, કમ્યુનિસ્ટના નેજા હેઠળ વડોદરામાં નાગરીક સંમેલન યોજાયું હતું .નાગરીક સંમેલન નું સંચાલન તપન દાસગુપ્તા એ કર્યું હતું.
પ્રારંભે ભારતી પરમારે ઠરાવ અંગે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવી રહેલ ત્રણ કાળા કૃષિ કાયદાઓ ને લીધે ખેતી કોર્પોરેટ ઉદ્યોગગૃહોને હવાલે થશે. એ.પી.એમ.સી. ખતમ થઇ જશે. અને અનાજ સામાન્ય લોકોના મોં માંથી ઝૂંટવાઈ જશે.સંયુક્ત કિસાન મોરચા દ્વારા અપાયેલ ભારત બંધના સમર્થનમાં વડોદરા ના બધા જ ક્ષેત્રના નાગરિકો જોડાયા હતા. ભારતના પાટનગર દિલ્હીમાં , છેલ્લા દસ મહિનાથી વધુ સમય થયો દેશભરના ખેડૂતો પોતાની માંગણીઓને લઇને છાવણી નાખીને બેઠા છે જેને કોઈ રાજકીય પક્ષ નું નેતૃત્ત્વ નથી .
આ આંદોલનમાં અત્યાર સુધી ૬૦૦ જેટલા ખેડૂતો શહીદી વહોરી છે. અમે આ આંદોલનને અમારું સમર્થન જાહેર કરીએ છીએ . જે ત્રણ ખેતીવિષયક કાયદા કેન્દ્ર સરકારે પસાર કર્યા છે તે કાયદા ખેડૂત આંદોલન ના મતે અને સાધારણ લોકોના મતે પણ કાળા કાયદા છે અને તેથી દેશને અને સાધારણ જનતા ને લાભ થવાને બદલે ભયંકર નુકસાન થવાનું છે .
ખાતર બિયારણ , જંતુનાશક દવાઓ અને સિંચાઈના પાણીના ભાવમાં અસાધારણ વધારો થયો હોવાથી ખેતી આજે ખૂબ મોંઘી થઈ ગઈ છે ખેડૂતો પોતાના ઉત્પાદન માટે જે ખર્ચ કરે છે તે ખર્ચ માંડ માંડ નીકળે તેવી પરિસ્થિતિ છે . આવા સમયે એમની આ ત્રણ કાળા કાયદા રદ કરવાની સાથે સાથે વીજળી સંશોધન બિલ 2021 ને પણ રદ કરવાની અને ખેત પેદાશો માટેની ટેકાના ભાવો માટે કાયદો ઘડવાની માંગણીઓ એકદમ યોગ્ય અને ન્યાયી છે .