અત્યંત ઝડપી, આધુનિક અને મોજશોખ વાળા આ સમયમાં ગુમરાહ થતા યુવાનોને ખુલ્લી વાત કરવી છે. દરેકને ટૂંકા રસ્તે (પછી તે ગમે તેવો હોય) રાતોરાત ધનવાન બની જવું છે.હે યુવાનો, ટૂંકા રસ્તે ઓછી મહેનતે પૈસા કમાવાનું પાગલપન તમને આજીવન પતનની ઊંડી ગર્તામાં ધકેલી રહ્યું છે.ટૂંકા માર્ગે ધન મેળવવાની તમારી લાલસા તમને આજીવન જેલ, વ્યસન,ચોરી,અસત્ય જેવા અધમ અને અમાનુષી કૃત્યો કરવા પ્રેરિત કરે છે.તમારી આ કુટેવોની સજા તમારા કરતાં તમારો પરિવાર વધુ ભોગવે છે એ ન ભૂલાય!તમારા માતા પિતા તમારામાં વિશ્વાસ મૂકી તમને સ્વતંત્રતા આપે છે.તમે શું આપો છો?વડીલોની ઉપેક્ષા, વિશ્વાસભંગ અસામાજિક કૃત્યોની હાર માળા, કુસંગી મિત્રોનો સંગ !
નશાના બંધાણી બની જવું,જુગારના રવાડે ચડવું, ભાગીને લગ્ન કરી લેવા, આપઘાત કરી લેવાની કે ઘર છોડી ભાગી જવાની કાયર ધમકીઓ આપવી. હદ થાય છે યુવાનો! તમારી સંગત (મિત્રો) અસામાજિક પ્રવૃત્તિઓમાં હોય, ગુનેગાર હોય કે રખડું હોય તેમનો સંગ કેવી રીતે થાય?આટલું તો વિચારો?સારા અને મૂલ્યનિષ્ઠ મિત્રોએ ગૃપનાં કોઈ મિત્રમાં દુર્ગુણ દેખાય તો તરત એ મિત્રને દિશા સૂચન આપો. ન સમજે તો તમારે એના પરિવારને જાણ કરવી જ જોઈએ.યાદ રાખજો, સાપને દૂધ પાસો તો પણ તે ઝેર જ બનાવશે. ગાયને સૂકું ઘાસ આપશો તો પણ તે સર્જન તો મીઠા દૂધનું જ કરશે. કોનો સંગ કરશો?
કુસંગીની સાથે મિત્રતા રાખવા કરતા તમારા મા બાપ, ભાઈ, બહેન કે પુસ્તકોને મિત્ર બનાવો. સ્વછંદતાથી કંઈ પણ અયોગ્ય કામ કરતા પહેલા તમારા પરિવારનો ખાસ, નિર્દોષ મા-બાપનો વિચાર જરૂર કરજો. શરૂઆતમાં લાડવાનો સ્વાદ કૂતરાને મીઠો જ લાગે ને! પણ લાડવામાં છુપાયેલું ઝેર જ્યારે શરીરમાં પ્રસરે અને મૃત્યુ માટે તરફડે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે. તમારી ક્રુરતા,અસંવેદનશીલતા, કુસંગ,માબાપને ખૂબ પીડા આપે છે. ખૂબ સુંદર ભવિષ્ય તમને આવકારવા ઊભુ છે એને ટૂંકા રસ્તે પૈસા મેળવવાની લ્હાયમાં ભયંકર યાતનામય ન બનાવો.બાકી તમે જાણો!
સુરત – અરૂણ પંડયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.