સુરત: પોતાના બાળકોને સાયકલ ચલાવવા આપતા વાલીઓ માટે ચેતવણીરૂપ ઘટના સુરતમાં બની છે. અહીંના પુણા ગામ વિસ્તારની એક સોસાયટીમાં સાયકલ ચલાવતો બાળક સાયકલ સાથે ઊંથા માથે પટકાયો હતો. જમીન પર પડ્યા બાદ બાળક સૂધબૂધ ગુમાવી બેઠો હતો. તેના શરીરનું હલનચલન બંધ થઈ ગયું હતું. તે હોંશ ગુમાવી બેઠો હતો. આસપાસના લોકોએ ભેગા થઈ તેને હોંશમાં લાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ નિષ્ફળ રહ્યાં હતાં. આખરે બાળકના વાલી દોડી આવ્યા હતા અને બાળકને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
આ ઘટના સુરતના પુણા ગામની કિરણ પાર્કની સોસાયટીની છે. અહીં રહેતા ભાવેશ હરસોરાનો દીકરો વૈભવ રોજના ક્રમ અનુસાર સોસાયટીમાં પોતાની મસ્તીમાં સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે સોસાયટીના બમ્પર પાસે સાયકલનું આગલું ટાયર વળી જતા તે બેલેન્સ ગુમાવી બેઠો હતો અને ઊંધા માથે જમીન પર પટકાયો હતો. પડ્યા બાદ બાળક હોંશ ગુમાવી બેઠો હતો. તેના શરીરમાં કોઈ હલચનલ રહ્યું નહોતું. આ અકસ્માત બાદ તરત જ સોસાયટીમાં રહેતા લોકો તેની પાસે દોડી ગયા હતા અને તેને હોંશમાં લાવવા પ્રયાસ કર્યા હતા પરંતુ તે નિષ્ફળ રહ્યાં હતાં. આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા બાદ તે ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. સાયકલ ચલાવતા બાળકો સાવધાન રહે તે માટે આ વીડિયો વધુમાં વધુ વાલીઓ તેમના બાળકોને બતાવે તે હેતુથી વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
બાળકની ત્રણ દિવસ હોસ્પિટલમાં સારવાર ચાલી
આ અક્સ્માતમાં બાળકને માથા અને મોંઢા ભાગે ગંભીર ઈજા થઈ હતી. બાળકનો ગાલ છોલાઈ ગયો હતો. તેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેની ત્રણ દિવસ સુધી સારવાર ચાલી હતી. ત્રણ દિવસના અંતે તે સાજો થયો ત્યાર બાદ તેને રજા આપવામાં આવી હતી. બાળકના ચહેરા પર ઈજાના નિશાન વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે.
બાળકના પિતાએ કહ્યું, વાલીઓ પણ ધ્યાન રાખે
આ ઘટના બાદ વૈભવ હરસોરાના પિતા ભાવેશ હરસોરા સહિત પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. દીકરો સાજો થયા બાદ ઘરે પરત આવ્યો ત્યારે પરિવારે હાશકારો અનુભવ્યો હતો. વૈભવના પિતા ભાવેશ હરસોરાએ કહ્યું કે, બાળકો સાયકલ ચલાવતા હોય ત્યારે વાલીઓએ ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને સાયકલમાં કોઈ ખામી હોય તો તે રીપેર કરાવવી જોઈએ. કારણ કે બાળકોને સાયકલની ખામીઓ વિશે જાણ નહીં હોય તેઓ અકસ્માતનો ભોગ બનતા હોય છે.