સુરત: ચાલુ વર્ષે ધો. 10 અને ધો. 12 બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓ સતત દોડતા રહ્યાં છે. વિદ્યાર્થીઓ પર આવી પડેલી આકસ્મિક તકલીફોમાં પણ સુરત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના અધિકારીઓએ ત્વરિત મદદ પહોંચાડી છે. આવો જ એક કિસ્સો આજે તા. 20 માર્ચના રોજ ધો. 10 એસએસસી બોર્ડ ગુજરાતી માધ્યમની અંગ્રેજી (દ્વિતીય)ની પરીક્ષામાં બન્યો હતો.
વાત એમ હતી કે ચલથાણની કલ્યાણજી વિ મહેતા વિદ્યાલયના વિદ્યાર્થી હર્ષ જગદીશ ખેરનાર ગઈકાલે સાંજે અકસ્માત પડી ગયો હતો, જેના લીધે તેનો જમણા હાથનું હાડકું ભાંગી ગયું હતું. તે લખી શકે તેમ જ ન હોય તે નિરાશ થયો હતો. વિદ્યાર્થી રડવા લાગ્યો હતો. પરીક્ષા કેવી રીતે આપશે તે ચિંતા ઉભી થઈ હતી.
ત્યારે વિદ્યાર્થીના વાલીએ પરીક્ષા કેન્દ્રના સંચાલક રાજેન્દ્ર ચૌહાણને જાણ કરી હતી. ચૌહાણે ઝોનલ અધિકારી ડો. સંગીતાબેન મિસ્ત્રીનો સંપર્ક કરી હકીકત જણાવી હતી. ઝોનલ અધિકારીએ વિદ્યાર્થીને તકલીફ ન પડે તે રીતે પરીક્ષા કેન્દ્રમાં બેઠક વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી. તેમજ તાત્કાલિક લહિયા એટલે કે રાઈટરની મંજૂરી સુરત જિલ્લા શિક્ષણાધિકારી પાસે મેળવી આપી હતી. આખરે વિદ્યાર્થીએ શાંતિપૂર્વક રાઈટરની મદદથી પરીક્ષા આપી હતી.
ધો. 12 સામાન્ય પ્રવાહમાં આજે તા. 20 માર્ચે પ્રથમ ભાષાની પરીક્ષા હતી. જેમાં ગુજરાતીમાં 230, હિન્દીમાં 36, મરાઠીમાં 21, ઉર્દુમાં 10 અને અંગ્રેજીમાં 51 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યાં હતાં. ગુજરાતીમાં 31338 પૈકી 31108, હિન્દીમાં 3777 પૈકી 3741, મરાઠીમાં 1422 પૈકી 1401, ઉર્દુમાં 219 પૈકી 209 અને અંગ્રેજીમાં 8954 પૈકી 8903 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.