સુરત: શહેરના પાલ ગૌરવ પથ રોડ પર આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ફૂલસ્પીડમાં દોડતી કાર સર્કલ સાથે અથડાઈ હતી. કારની સ્પીડ એટલી બધી હતી કે કાર સર્કલ સાથે ટકરાઈને પલટી મારી ઊંધી થઈ ગઈ હતી. સર્કલનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. એરબેગ ખુલવાના લીધે કાર ચાલકને ઓછી ઈજા થઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે વહેલી સવારે પાલ ગૌરવ પથ રોડ પરથી જીજે-05-આરએ-573 ફૂલસ્પીડમાં દોડી રહી હતી. ત્યાર કાર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા કાર રોડના સર્કલ સાથે જઈને ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કરના લીધે સર્કલ તુટી ગયું હતું બીજી તરફ કાર પલ્ટી મારીને રોડની વચ્ચોવચ્ચ ઊંધી પડી ગઈ હતી. કારના બોનેટ, કાચ બધું તુટી ગયું હતું. ટક્કરના લીધે એરબેગ ખુલી ગઈ હતી. કાર ચાલકને સામાન્ય ઈજા થઈ હતી. તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.