સુરત: આજના જમાનામાં સંતાનો પોતાના માતા-પિતાની પણ સારસંભાળ રાખતા હોતા નથી, ત્યારે સુરતના એક બિલ્ડરે સ્વર્ગસ્થ પિતાની યાદમાં એવું કાર્ય કર્યું છે જેના લીધે બિલ્ડરના સંસ્કારો પ્રત્યે માન ઉપજે છે. પિતાની 25 વર્ષ સુધી સેવા કરનાર ડ્રાઈવરને આ બિલ્ડરે મકાન ભેંટમાં આપ્યું છે.
ભરવાડ સમાજના અગ્રણી વિજયભાઈ ભરવાડે તેમના પિતાના સ્મરણાર્થે 25 વર્ષથી પિતાને નિ:સ્વાર્થ સેવા આપનાર ડ્રાઇવરને મકાન ભેટમાં આપ્યું છે. આજના સમયમાં લોકો કપરા સંજોગોમાં સગા ભાઈઓને પણ પીઠ બતાવી દે છે. ત્યારે ભરવાડ સમાજના અગ્રણી ભામાશા વિજયભાઈ ભરવાડે તેમના પિતાજીના સ્મરણાર્થે ઉદાર ભાવનાની પ્રતીતિ કરાવી છે.
વિજયભાઈ ભરવાડે પોતાના પિતાની 25 વર્ષથી સેવા કરનાર તેમના ડ્રાઇવર હરિભાઈ વસાવેને પાંડેસરામાં મકાન ભેટ આપ્યું છે. ત્રણ દાયકા પહેલાં હરિભાઈ મહારાષ્ટ્રથી સુરત આવ્યા હતા. સુરતમાં આવી તેઓ 25 વર્ષથી સ્વ.માલાભાઈ સારાભાઈ ભરવાડની સાથે પરિવારના સદસ્યની જેમ રહેતા હતા.
87 વર્ષની વયે માલાભાઈનું અવસાન થતાં વિજયભાઈએ મોટાભાઈની જેમ હરિભાઈ અને તેમના પરિવારની જવાબદારી પોતે ઉપાડી હતી. વિજયભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, બાપુજી હરિભાઈને પુત્રની જેમ રાખતા હતા. તેમણે 25 વર્ષ બાપુજીની જે સેવા કરી તેના ફળસ્વરૂપે આ મકાન ભેટ આપ્યું છે. હરિભાઈને રોટી અને કપડાં તો બાપુજીએ પરિવારના સભ્યની જેમ રાખી ૨૫ વર્ષથી આપ્યા. હવે બાપુજી નથી ત્યારે તેમના સ્મરણાર્થે તેમને મકાન આપીને બાપુજીની આ ઈચ્છા પણ પૂરી કરી છે.
આવા શેઠ નસીબથી મળે છે: હરિભાઈ
હરિભાઈ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, માલાભાઈ મારા પિતાસમાન હતા. તેમણે મને હંમેશાં દીકરાની જેમ રાખી મારા પરિવારને તેમના પરિવારના સભ્યોની જેમ રાખ્યો છે. મને ગળાનું કેન્સર થતાં મુંબઈમાં ડો.સુલતાન પ્રધાન પાસે મારી સારવાર તેમણે કરાવી હતી. અને મારા પગારમાંથી એકપણ રૂપિયો કાપ્યો ન હતો. મારા દીકરાના એન્જિનિયરિંગ સુધીનો ખર્ચો પણ વિજયભાઈ ભરવાડે ઉપાડી એન્જિનિયર બનાવ્યો હતો.