સુરત: મોટા વરાછા ખાતે બીએમડબલ્યુ કાર સાથે ડિવાઈડરની વચ્ચેથી નીકળેલી ભેંસ ભટકાતા અકસ્માત થયો હતો. દરમિયાન ત્રણેક જણાએ આવીને કાર ચાલકના ટાંટિયા તોડવાની ધમકી આપતા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પોલીસ આવી પહોંચી હતી.
- ‘મારી ભેંસનો પગ ભાંગી નાંખ્યો… તું ગાડીમાંથી નીચે ઉતર તારા પણ ટાંટિયા ભાંગી નાખું’
- મોટા વરાછા ખાતે ડિવાઈડરમાંથી ભેંસ અચાનક આવી જતા બીએમડબલ્યું કાર સાથે ભટકાતા બબાલ
મોટા વરાછા ખાતે રિવર વ્યુહાઈટ્સમાં રહેતા 38 વર્ષીય મિતેશભાઈ મનસુખભાઈ બાલધા મુળ રાજકોટના વતની છે. તેઓ મોટા વરાછા ખાતે કેંગન વોટર મશીનનો વેપાર કરે છે. ગત 26 તારીખે સવારે તેઓ મોટા વરાછા ખાતે તેમની ઓફિસે ગયા હતા. સાંજે ઓફિસથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે તેમની બીએમડબલ્યુ એક્સ7 કાર (જીજે-05-આરએસ-8740) ઓફિસથી થોડે દૂર ડિવાઈડર વચ્ચે એક ભેંસ અચાનક આવી જતા કાર સાથે અથડાઈ હતી.
ભેંસ નીચે પડી જતા ઉભી થઈને નીકળી ગઈ હતી. ત્યારે કાર આગળ લેતી વખતે એક વ્યક્તિએ ડંડો કારની પાછળ માર્યો હતો. અને મિતેશભાઈને મારી ભેંસનો પગ ભાંગી નાંખ્યો તેમ કહીને ગાળો આપી હતી. બીજો એક વ્યક્તિ અને મહિલાએ આવીને ગાળો આપી હતી. તું ગાડીમાંથી નીચે ઉતર તારા પણ ટાટીયા ભાંગી નાખીએ તેમ કહીને ધમકી આપી હતી. કાર ચાલકે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પીસીઆર વાન આવી પહોંચી હતી. અને ત્રણેયના નામ પૂછતા વિજય સોમા સીંગાડે, બટુક પંડીત શીંદે અને કસમાબેન સોમા સીંગાડે હોવાનું જણાવ્યું હતું. ઉત્રાણ પોલીસે તેમની સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
ઉઘનામાં અજાણ્યા વાહનની અડફેટે વૃદ્ધનું મોત
સુરત: ઉધના વિસ્તારમાં બમરોલી રોડ પર વેલકમ પાન સેન્ટર પાસે પગપાળા જતા પાંડેસરાના વૃદ્ધનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજ્યું હતું. પોલીસ સૂત્રો અને નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર પાંડેસરા વિસ્તારમાં આવેલી આશાપુરી સોસાયટીમાં ચીમનભાઈ સુખાભાઈ પટેલ (ઉં.વ.56) પરિવાર સાથે રહેતા હતા. ગત ૨૧ માર્ચે રાત્રે ચીમન પટેલ ઉધનામાં વેલકમ પાન સેન્ટર પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે પૂરઝડપે અને બેદરકારીથી વાહન ચલાવી આવેલા અજાણ્યા વાહનના ડ્રાઇવરે ચીમનભાઈ પટેલને અડફેટે લેતાં તેમને શરીરે ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં પાંચ દિવસની સારવાર બાદ ગત રાત્રે તેમનું મોત નીપજ્યું હતું.