સુરત: સરથાણા શુભમ કોમ્પલેક્ષમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર સરથાણા પોલીસે છોપો મારી બે ગ્રાહકો અને 5 લલનાને પકડી પાડી હતી. જ્યારે સ્પાનો સંચાલક અને એક ગ્રાહક પહેલા માળેથી કૂદીને નાસી છૂટ્યો હતો.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સરથાણા પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા સાવલીયા સર્કલ પાસે આવેલા શુભમ કોમ્પલેક્ષમાં પહેલા માળે દુકાન ભાડે રાખીને સ્પાની આડમાં કૂટણખાનું ચલાવવામાં આવે છે. બાતમીના આધારે પીઆઇ એમ.બી.ઝાલા અને સ્ટાફે શુભમ કોમ્પેક્ષમાં છાપો માર્યો હતો. પોલીસ આવ્યાની જાણ થતાં સ્પાના સંચાલક લક્કી પહેલા માળેથી પાછળના ભાગની બારીની ગ્રીલ તોડી કૂદીને નાસી ગયો હતો.
જ્યારે લક્કીને જોઇને એક લલના પણ પહેલા માળેથી કૂદી પડતા ઇજા પહોંચતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પોલીસે સ્પામાંથી અન્ય 5 લલનાને પણ મુક્ત કરાવી હતી. જ્યારે શરીર સુખ માણવા માટે આવેલા ગ્રાહક કુશ નિલેશ કથીરીયા (ઉં.વ.23, રહે., ઠાકોરદ્વાર સોસાયટી, કાપોદ્રા, મૂળ રહે., અમરેલી) અને શ્યામ કિશોર યાદવ (ઉં.વ.31, રહે., રાજનગર, સહરા દરવાજા, મૂળ રહે., યુપી)ની અટક કરી હતી.
પોલીસે રેડ દરમિયાન ઓડિશા બિહાર અને યુપીની 5 મહિલાઓને મુકત કરવી હતી. ગ્રાહકો પાસેથી 1 હજાર કમિશન લઈ 400 રૂપિયા મહિલાઓને કમિશન આપતું હોવાનું મહિલાઓ કબૂલ્યું હતું. પોલીસ હાલ મહિલાઓની પૂછપરછ હાથ ધરી છે.
અગાઉ જૂન 2024માં પણ આ જગ્યા પર સ્પાની આડમાં કૂટણખાનું પોલીસે પકડી પડ્યું હતું. આ દેહ વ્યાપાર એક સપ્તાહ પહેલાં લક્કી અને અન્ય ઇસમે ભાગીદારીમાં ચાલુ કર્યો હતો. આ મામલે દુકાન માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની પોલીસે તજવીજ હાથ ધરી છે.