SURAT

કરોડોના હીરા લઈ દલાલ છૂ થઈ જતા વરાછાના વેપારીઓમાં દોડધામ

  • બજારમાંથી શાખ પર રૂ. 7.90 કરોડના હીરાનો માલ ખરીદી દલાલ પલાયન
  • બજારમાંથી સારી કિંમત અપાવવાના બહાને દલાલ હીરા લઈ ગયો હતો, તે પછી દેખાયો જ નહીં
  • દલાલ મહાવીર અગ્રાવતે કરોડોના હીરા પડાવી લેતા વરાછા પોલીસમાં ફરિયાદ
  • પ્રિન્સેસ પ્લાઝાના શ્રીરામ એન્ટરપ્રાઈઝના ધીરુભાઈ ધડુકે પોલીસ ફરિયાદ આપી

સુરત: માત્ર નાનકડી કાગળની ચબરખી પર કરોડો રૂપિયાના હીરાનો વેપાર કરવા માટે સુરત શહેર જાણીતું છે. અહીં લોકો એક બીજાના વિશ્વાસ પર હીરાની લેવડ દેવડ કરતા હોય છે, તેથી અહીં જ્યારે વિશ્વાસઘાત, છેતરપિંડીની ઘટના બને છે ત્યારે શહેરનું હીરા બજાર હચમચી ઉઠે છે. વેપારી અને દલાલો ચિંતામાં મુકાઈ જાય છે. આવી જ એક વિશ્વાસઘાતની ઘટના સુરતના વરાછા ખાતે આવેલા મીની બજારમાં બની છે.

અહીં વર્ષોથી વિશ્વાસુ હીરા દલાલે સારી કિંમત અપાવવાના બહાને હીરા વેપારીઓને છેતર્યા છે. આ હીરા દલાલ અંદાજે 8 કરોડ રૂપિયાના હીરા લઈ રફૂચક્કર થઈ ગયો છે. વરાછા મીની બજાર ખાતે સારી કિંમત અપાવવાના બહાને વેપારીઓ પાસેથી રૂપિયા 7.90 કરોડના હીરા લઈ જઈ હીરા દલાલ મહાવીર અગ્રાવત ફરાર થઈ ગયો હોવાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાના અભરામપરા ગામના વતની અને હાલ વરાછા એક રોડ અંકુર ચોકડી પાસે વિષ્ણુ નગર સોસાયટીમાં રહેતા ધીરુભાઈ મોહનભાઈ ધડુક વરાછા મીની બજાર પ્રિન્સેસ પ્લાઝામાં શ્રીરામ એન્ટરપ્રાઇઝના નામે હીરાનો વેપાર કરે છે. કતારગામ કાંતરેશ્વર મહાદેવ મંદિરની પાછળ શક્તિનગર સોસાયટીમાં રહેતા મહાવીર ઈશ્વરદાસ અગ્રાવત જે હીરા દલાલ હોય વેપારી ધીરુ ક સાથે ધંધાના સંબંધ હતા. ધીરુભાઈ અને તેમની પાસેથી હીરાનો માલ પણ ખરીદતો હતો.

દરમિયાન ગઈ તા. 25-1-2023ના રોજ ધીરુભાઈ પાસેથી અલગ અલગ પ્રકારના ફેન્સી હીરા જેની કિંમત 1.74 કરોડ હીરા બજારમાં સારી કિંમત અપાવવાના બહાને લઈ ગયા હતા. આ ઉપરાંત અન્ય હીરા વેપારીઓ પાસેથી પણ 6.15 કરોડના હીરાનો માલ લીધો હતો. જોકે ધીરુભાઈ અને અન્ય હીરા વેપારી પાસેથી લીધે કુલ 7.90 કરોડનો આ હીરાનો માલ હીરા દલાલ મહાવીરે પોતે રાખી લઈ ફરાર થઈ ગયો હતો. આ અંગે ધીરૂભાઇએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.

Most Popular

To Top