Charchapatra

સાપુતારા જનાર વાહનચાલકો માટે આશીર્વાદરૂપ રોલરક્રશ બેરિયર

જયારથી ‘ગુજરાતમિત્ર’ વાંચતાં શીખ્યો ત્યારથી સતત અવારનવાર એક સમાચાર એમાં વાંચવા મળતા કે સાપુતારા ઘાટમાં આ કે તે વાહન ઊંધું વળી ગયું, ફરી અકસ્માત થયો, અકસ્માતમાં આટલાં મૃત્યુ પામ્યાં વગેરે, પરંતુ તારીખ બારમી ફેબ્રુઆરીના ‘ગુજરાતમિત્ર’ના અંકમાં સુખદ આશ્ચર્યરૂપ સમાચાર વાંચવા મળ્યા કે સાપુતારા ઘાટમાં અકસ્માતથી બચવા માટે રોલરક્રશ બેરિયર મૂકવામાં આવ્યા છે અને તેને કારણે અકસ્માતોનું નિવારણ થઇ શકશે. રોલરક્રશ બેરિયરને કારણે અગાઉ સીધા નીચે ઘાટમાં પડી જતાં વાહનો હવે આ બેરિયર સાથે અથડાઇને ફરીથી રસ્તા પર આવી જશે અને આવી દુર્ઘટનાઓ ઘટશે. સાપુતારા અનેક લોકો વિહાર કરવા આવતા હોય છે ત્યારે રોલરક્રશ બેરિયર ટેકનોલોજી સૌના માટે આશીર્વાદરૂપ પુરવાર થશે એ નિ:શંક છે. આ માટે પ્રયાસ કરનાર સૌ અધિકારીઓ, આગેવાનોને જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા પડે એમ છે, એમની કદર કરીએ, એમનો ઋણ સ્વીકાર કરીએ. અલબત્ત, ત્યાર પછી પણ ઘાટમાં ટેમ્પો વળી ગયાના સમાચાર આવ્યા છે ખરા, ત્યારે આ ટેકનોલોજીને વધુ સઘન બનાવીએ.
નવસારી- ઇન્તેખાબ અનસારી    – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

પોલીસની ભરતીમાં પાંચ કિ.મી.ની દોડ બંધ કરો
ગત વર્ષે યોજાયેલ પોલીસની ભરતીમાં પાંચ કિ.મી.ની દોડને કારણે ત્રણથી ચાર ઉમેદવારોનાં મૃત્યુ થયાં હતાં. આ અમાનુષી ભરતી પ્રક્રિયા બંધ કરવી જોઈએ.  ફક્ત દોઢ કિ.મી.ની જ દોડની પરીક્ષા હોવી જોઈએ. સરકારે આ અંગે ગંભીરતાથી વિચારવું જોઈએ. સરકાર લોકોને હેરાન કરવાનું બંધ કરે અને પોલીસની ભરતી જે તે જિલ્લામાં જ રાખવી જોઈએ. સરકારને કેમ સમજાતું નથી? ગયા વર્ષે ભરતી દરમ્યાન અનેક ઉમેદવારો હેરાન થયેલા, તો આ વિશેય વિચારો.
ચીખલી  – છનાભાઈ રાઠોડ            – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top