SURAT

વરાછા રોડ પર દોડતી બાઈક એકાએક સળગી, યુવકે ચાલુ બાઈક પરથી કૂદીને જીવ બચાવ્યો

સુરત: સોમવારે સવારે મોટા વરાછા વિસ્તારમાં રસ્તા ઉપર દોડતી એક મોટરસાયકલ એકાએક સળગી જતા ભારે કૌતુક સર્જાયું હતું. ગભરાઈ ગયેલા મોટરસાયકલ સવાર યુવક તુરંત જ બાઈક ઉપરથી ઉતરી ગયો હતો તેથી તેનો જીવ બચી ગયો હતો. જોતજોતામાં આખીય મોટરસાયકલ સંપૂર્ણ સળગીને રાખ થઇ ગઈ હતી. ઘટના ઘટવાથી ટ્રાફિક જામ થઇ ગયો હતો. ઘટના સ્થળ ઉપર પહોંચેલી મોટા વરાછા ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ,અમિત સુથાર નામનો યુવક સોમવારે સવારે 11 કલાકે તેની મોટરસાયકલ ( જી-જે-05-એસજી-310)ને લઇ મોટા વરાછા વિસ્તારમાં આવેલા પનવેલ પાર્ક પાસે પાર્થ બંગલો નજીકથી મોટરસાયકલ ઉપર સવાર થઇને જઈ રહ્યો હતો. દરમ્યાન તેની મોટરસાયકલના એન્જીનમાં સ્પાર્ક થયો હતો અને ધુમાડો નીકળવા લાગ્યો હતો.

ગંભીરતા જાણીને અમિત બાઈક ઉપરથી નીચે ઉતરી ગયો હતો. અને જોત જોતાના તેની મોટરસાયકલ સળગવા લાગી હતી. તેણે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરી હતી તેથી મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઓલવી નાંખી હતી.

ફાયર ઓફિસર બાલાસરાએ જણાવ્યું હતું કે ફાયરની ટીમ સ્થળ ઉપર પહોંચે તે પહેલા તો બાઈક ભડ ભડ સળગી રહી હતી. ઓવર હિટિંગને કારણે સ્પાર્ક થયા બાદ આગ લાગી હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે આખી મોટરસાયકલ સળગી જતા માત્ર તેની લોખંડની ચેસીસ જ બચી ગઈ હતી. બાકીનું વાયરિંગ અને સ્પેરપાર્ટ સળગીને રાખ થઈ જવા પામ્યું હતું .

પાલનપુર કેનાલ રોડની ઓમકાર રેસિડેન્સી બિલ્ડિગની લિફ્ટ પાંચમે માળે ખોટકાતાં માતા-પુત્રી ફસાયાં
સુરત: પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં આવેલી ઓમકાર રેસીડેન્સીમાં એક લિફ્ટમાં ખામી સર્જાતાં તે અધવચ્ચે જ અટકી ગઈ હતી. આ લિફ્ટનો ઉપયોગ કરી રહેલી માતા-પુત્રી તેમાં ફસાઈ જતાં તેમના જીવ તાળવે ચોંટ્યા હતા. લિફ્ટમાં ફસાઈ જતાં તેમણે બૂમાબૂમ કરી મૂકતાં બિલ્ડિંગના સભ્યો એકત્ર થઇ ગયા હતા. અને ઘટનાની ફાયર કંટ્રોલ રૂમને કરતા પાલનપુર ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ ઉપર પહોંચી ગયો હતો અને લાશ્કરોએ તુરંત રેસ્ક્યુ કરી માતા-પુત્રીને લિફ્ટની અંદરથી બહાર કાઢી લીધા હતા.

ફાયર સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી મુજબ પાલનપુર કેનાલ રોડ વિસ્તારમાં આવેલી હાઈરાઈઝ ઇમારત ઓમકાર રેસિડેન્સીના પાંચમા માળ ઉપર સોમવારે સાંજે એક લિફ્ટ અચાનક ખોટકાઈ ગઈ હતી. લિફ્ટનો ઉપાયોગ કરી રહેલાં તૃપ્તિ અમીતભાઈ ઘેરિયા અને તેમની દીકરી દીપ્તિ અમિતભાઇ ઘેરિયા તેમાં ફસાઈ ગયાં હતાં. સાંજે 6:33ના અરસામાં આ ઘટના બની હતી.

લિફ્ટમાં ફસાઈ ગયેલી માતા-પુત્રીનો શ્વાસ રૂંધવા લાગ્યો હતો. પ્રથમ તેમણે લિફ્ટનો દરવાજો જાતે ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો ખૂલ્યો ન હતો. તેથી તેમણે બૂમાબૂમ કરતાં બિલ્ડિંગમાં રહેતા અન્ય પરિવારો પણ એકત્ર થઇ ગયા હતા અને તેમણે ફાયર કંટ્રોલ રૂમને તુરંત જાણ કરતાં પાલનપુર ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયરના જવાનોએ કોમ્બિંગ ટૂલ્સનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો ખોલી માતા પુત્રીનું રેસ્ક્યુ કરીને તેમેને બહાર કાઢી લીધા હતા. સહીસલામત રેસ્ક્યુ કરાતાં બિલ્ડિંગના રહીશોના પણ જીવમાં જીવ આવ્યો હતો.

Most Popular

To Top