હાલમાં એક થિંક ટેન્કના અહેવાલે જણાવ્યું છે કે ભારતમાં ૨૦૨૮ના વર્ષ સુધીમાં, એટલે કે આગામી ચાર જ વર્ષમાં બેકારી નોંધપાત્ર રીતે ઘટી જશે. ખરેખર જ આ અહેવાલ આનંદદાયક છે. ભારતનો બેરોજગારી દર વર્ષ ૨૦૨૮ સુધીમાં ૯૭ બેઝિસ પોઇન્ટ જેટલો ઘટી શકે છે જ્યારે આ દેશનું અર્થતંત્ર પ ટ્રિલિયન ડોલરની સપાટીને સ્પર્શ કરશે, જે રોજગારીને વેગ આપશે એમ એક નવા અહેવાલે હાલમાં જણાવ્યું હતું.
આ રિપોર્ટ ખુશી જન્માવે તેવો છે જ, દેશમાં ઘણા બધા યુવાનો, ખાસ કરીને શિક્ષીત યુવાનો યોગ્ય નોકરી કે ધંધાના અભાવે બેકાર ફરે છે તેમને જો રોજગારી મળતી હોય તો તેમના કુટુંબોના માટે જ નહીં પણ દેશના માટે પણ એક મોટી રાહતની વાત હશે. જો કે આજે આપણે જોઇ શકીએ છીએ કે દેશના અર્થતંત્રનો વિવિધ ક્ષેત્રે વ્યાપક વિકાસ થયો છે અને કુશળતાયુક્ત વ્યવસાયિકો, કારીગરો અને કામદારો માટે રોજગારીની તકો ઘણી વધી છે. જો કે વ્યક્તિને તેની પાત્રતા અનુસાર નોકરી કે કામ નહીં મળે તે એક સમસ્યા છે જ, પરંતુ કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે ભારતમાં બેકારી કરતા પણ મોટી સમસ્યા ઓછા વેતન કે અપૂરતા મહેનતાણાની સમસ્યા છે.
બેરોજગારી અથવા બેકારીનો દર – કે જે કામ કરી શકે તેવા લોકોમાંથી કામ વિનાના લોકોની ટકાવારી છે – તે ૨૦૨૪ના ૪.૪૭ ટકા પરથી ઘટીને ૨૦૨૮ સુધીમાં ૩.૬૮ ટકા થશે એમ થિંકટેંક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન(ઓઆરએફ) દ્વારા ઇન્ડિયા એમ્પ્લોયમેન્ટ આઉટલૂક ૨૦૩૦ નામના અહેવાલમાં જણાવાયું છે. ભારતનું જોબ માર્કેટ પરિવર્તન અનુભવી રહ્યું છે જયારે દેશ કોવિડ-૧૯ના રોગચાળા પછીના સંજોગોમાં વિશ્વનું સૌથી વધુ ઝડપે વિકસતું મોટું અર્થતંત્ર બન્યું છે એમ આ રિપોર્ટ જણાવે છે. દેશની યુવા વસ્તી કે જેની સરેરાશ વય ૨૮.૪ વર્ષ છે તે આર્થિક વિકાસને વેગ આપવામાં ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે. ૭.૮ ટકાના જીડીપી વિકાસ દર સાથે ભારત ૨૦૨૬-૨૭ સુધીમાં પ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવાનું તેનું લક્ષ્ય હાંસલ કરી શકે છે, આવા વિકાસને મજબૂત ખાનગી વપરાશ અને જાહેર રોકાણનો અંદરથી ટેકો મળી રહે છે.
ઓઆરએફનો અહેવાલ આગાહી કરે છે કે જ્યારે ભારત તેના પ ટ્રિલિયન ડોલરના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યુ઼ છે ત્યારે તેની કુલ એકંદર રોજગારી વધીને ૨૨ ટકા થઇ શકે છે જ્યારે બેકારી ૨૦૨૮ સુધીમાં ૯૭ બેઝિસ પોઇન્ટથી ઘટી શકે છે. પરંતુ બેકારીનો દર ઘટે તે સાથે જ એ જરૂરી છે કે ભારતમાં લઘુતમ વેતન ધારા જેવા કાયદાઓનો યોગ્ય અમલ થાય અને કામદારો, કર્મચારીઓને યોગ્ય વેતન કે મહેનતાણુ મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે. ઇન્ફોસીસના ભૂતપૂર્વ સીએફઓ અને મલ્ટિ સેકટર ઇન્વેસ્ટર ટી.વી. મોહનદાસ પાઇ ભારત નોકરીઓની સમસ્યાઓનો સામનો કરતું નથી પણ ઓછા પગારની સમસ્યાનો સામનો કર છે.
ટીમલીઝ ઇન્ડિયાના મનીષ સભરવાલ કહે છે કે ભારતમાં બેકારીની સમસ્યા ઉકેલવી સહેલી છે પણ ઓછા પગારની સમસ્યા ઉકેલવી મુશ્કેલ છે. ઘણા બધા યુવાનો એવા છે કે જેમની પાસે દસ-બાર કલાક કામ કરાવીને માંડ પંદરેક હજાર રૂપિયા પગાર આપવામાં આવે છે. તેમાં પણ અશિક્ષીત કામદારોની હાલત તો ખૂબ જ કફોડી છે. ધંધાકીય અને ઔદ્યોગિક એકમો, કોન્ટ્રાકટરો વગેરેની સાથે તંત્રો પગારની બાબતે કડક હાથે કામ લે અને કર્મચારીઓ, કામદારોનું શોષણ થતું અટકાવે તે ખૂબ જરૂરી છે.
ભારતમાં ખાસ કરીને સર્વિસ સેકટર નોંધપાત્ર રીતે રોજગારી સર્જન કરી શકે છે. આ અહેવાલ સર્વિસ સેકટરમાં ભારે તકો વાળા દસ સબ-સેકટરોને જુદા પાડે છે જેમાં ડિજિટલ સર્વિસીઝ, ફાયનાન્શ્યલ સેવાઓ, આરોગ્ય, પ્રવાસન, કન્ઝયુમર રિટેલ, ઇ-કોમર્સ અને રિન્યુએબલ એનર્જીનો સમાવેશ થાય છે. ઝડપથી વિકસતું સર્વિસ સેકટર મહિલાઓની રોજગારી માટે પણ પ્રોત્સાહક સ્થાન પુરું પાડી શકે છે. જો કે સર્વિસ સેકટરમાં પણ કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને અપૂરતો પગાર આપવાનું ચલણ વ્યાપક જણાય છે અને મેન્યુફેકચરિંગ સેકટરમાં તો ખાસ કરીને અશિક્ષિત વર્ગના શ્રમિકોની હાલત કેવી કફોડી હોય છે તે ઘણા ઔધાગિક એકમોમાં જોઇ શકાય છે.
કેટલાક સમય પહેલા બેંગ્લોરમાં આઇફોનના એક ઉત્પાદન પ્લાન્ટમાં કામદારો તોફાને ચડ્યા ત્યારે બહાર આવ્યું કે તેમને કલાકો સુધી કામ કરાવીને ખૂબ જ ઓછું વેતન અપાતું હતું. વિશ્વની અગ્રણી કહેવાતી કંપની પણ ભારતમાં આવીને કામદારોનું કેવું શોષણ કરવા માંડે છે તેનું આ ઉદાહરણ છે. અપૂરતા પગારને કારણે ઘણા કામદારો કંટાળીને નોકરી છોડી જાય છે અને બીજી નોકરી કે કામ નહીં મળતા ગુનાખોરીના માર્ગે વળે તેવું પણ બની શકે છે. સરકાર ફક્ત મોટા વેપારીઓ અને ઉદ્યોગપતિઓને રાજી રાખવાનું વલણ છોડીને તેમના પ્રત્યે કડકાઇ દાખવી કર્મચારીઓ, શ્રમિકોને યોગ્ય વેતન, મહેનતાણુ અપાવવા પર ધ્યાન આપે તે ખૂબ જરૂરી છે.