એક મંદિરની બહાર રોજ સવાર સાંજ ભક્તોની ભીડ થાય.ભક્તો લાઈન લગાડે અને પ્રભુની મૂર્તિ સમક્ષ જઈને પોતાની માંગણી રજુ કરે.દરેક ભક્ત ભગવાનને પોતાની ઈચ્છા પૂરી કરવાની પ્રાર્થના કરે.અને મંદિરની બહાર પણ ભિખારીઓની લાઈન લાગે ; જેઓ ભગવાન પાસે કૈંક માંગવા આવતા ભક્તો પાસે રૂપિયો કે બે રુપિયા માંગે.આ ભિખારીઓ બધાની આંખમાં ખુંચે અને કોઈ તેમને હડધૂત કરે તો કોઈ પાઈ પૈસો આપી પુણ્ય મેળવવાની કોશિશ કરે ;તો કોઈ કામ કરવાની સલાહ આપે ; તો કોઈ સામે જોયા વિના આગળ વધી જાય…
એક દિવસ એક કરોડપતિ શેઠ મંદિરમાં આવ્યા અને ગાડીમાંથી ઉતરીને લાઈનમાં ઉભા રહ્યા વિના સીધા અંદર ગયા અને ભગવાન સમક્ષ પોતાની માંગણીઓ માંગી દર્શન કરી બહાર આવ્યા.શેઠને ભાર આવતા જોઈ તેમની પાસેથી કૈંક વધુ મેળવવાની આશા સાથે બધા ભિખારીઓ તેમને ઘેરી વળ્યા અને કૈંક ભીખ આપવા વિનંતી કરવા લાગ્યા.શેઠ ગુસ્સે થઇ ગયા અને બોલ્યા, ‘બધા આઘા ખસો ..દુર જાવ નહિ તો કોઈને કઈ જ નહિ મળે …’ બધા ભિખારીઓ દુર ખસી ગયા.શેઠે કહ્યું, ‘એકપછી કે લાઈનમાં આવો …’ અને પછી ભીખ આપતા આપતા શેઠ બોલ્યા, ‘તમને ભીખ માંગતા શરમ નથી આવતી….રોજ આમ બધા પાસે માંગવું …હડધૂત થવું …નીચાજોણું થવું …
ભીખ માંગવા કરતા કોઈ કામ કરતા હો તો….’ ભીખ આપતા આપતા શેઠ આગળ વધી રહ્યા હતા ત્યાં એક ભિખારણ તેમની એકદમ નજીક આવી ગઈ …અને ‘શેઠ તમે તો મારા ભાઈ ….’એમ બોલીને ભેટી પડી. શેઠ એકદમ ગુસ્સે થઇ ગયા.ભિખારણને હડસેલીને બોલ્યા , ‘આ શું આઘી રહે મારાથી …હું કઈ તારો ભાઈ નથી..’ ભિખારણ હસવા લાગી અને એવું બોલી કે તેનો જવાબ બધાના હદય સોંસરવો ઉતરી ગયો..તેણે જવાબ આપ્યો, ‘શેઠ, મારા તમે અને હું એક જ કામ કરીએ છીએ માંગવાનું …તમે અંદર ભગવાન પાસે માંગો છો અને અમે તમારી પાસે માંગીએ છીએ.તમે તો પૈસા આપી ભગવાનના દર્શન પણ લાઈનમાં ઉભા રહ્યા વિના કરી લો છો ..
પૈસાના જોરે જાણે ભગવાનને ખરીદી લો છો…અને અમે પૈસાના અભાવે અમારું સ્વમાન છોડી તમારા જેવા સામે હાથ લાંબો કરીએ છીએ..અમે ગરીબ છીએ એટલે અમારે અપમાન સહન કરવા પડે છે…હા અંદર બેઠેલો ભગવાન તમને હડધૂત કરતો નથી ..પણ તમે અમને અચૂક હડધૂત કરો છો.તમે ભગવાન પાસે માંગો છો અને મેળવો છો એટલે નસીબદાર છો.અમે તમારી પાસે માંગીએ છીએ અને મેળવી શકતા નથી એટલે કમનસીબ છીએ.જે દિવસે ભગવાન તમને હડધૂત કરશે તે દિવસે તમારામાં અને મારામાં કોઈ ફરક નહિ રહે સમજયા.’ ભિખારણે ચોટદાર જવાબ આપ્યો.