Columns

એક ખરાબ દિવસ અને એક મિત્ર

એક દિવસ આખા દિવસના થાક અને તકલીફોથી કંટાળીને સમીર દરિયા કિનારાની ભીની રેતીમાં દૂર દૂર દરિયાને જોતો બેઠો હતો. મિત્ર સચિન હાથમાં ચણા શીંગ લઈને આવ્યો અને બાજુમાં બેઠો.સમીરને ચણા શીંગ આપ્યા. તેણે લેવાની ના પાડવા માથું ધુણાવ્યું અને બોલ્યો, ‘આજનો દિવસ બહુ ખરાબ ગયો.’ સચિન ધીમેથી બોલ્યો, ‘શું થયું, તારે એ વિષે વાત કરવી છે?’ સમીરે કહ્યું , ‘ના, મારે કોઈ જ વાત નથી કરવી.’ સચિને કહ્યું, ‘ઓ.કે.’ અને તે ચુપચાપ શીંગ ચણા ખાતો તેની બાજુમાં બેસી રહ્યો.સમીરે તેને પૂછ્યું, ‘તું અહીં શું કરવા આવ્યો છે?’ સચિને કહ્યું, ‘આમ તો ખાસ કંઈ નહિ.પણ મને ખબર છે કે દિવસ ખરાબ જાય તો કેવી લાગણી થાય, કંઈ ગમે નહિ, કોઈ સાથે વાત કરવી પણ ન ગમે.મને પણ મારો દિવસ ખરાબ જાય તો કોઈ સાથે વાત કરવાનું મન પણ થતું નથી. તને કંઈ ન કહેવું હોય તો વાંધો નહિ, પણ હું તારી બાજુમાં બસ બેઠો છું.

સમીરે કહ્યું, ‘તને  કોઈ કામ નથી. તું જા, હું મોડે સુધી બેસીશ.’ સાચા મિત્રની મિત્રતા ચમકાવતો જવાબ સચિને આપ્યો, ‘દોસ્ત. દિવસો જયારે ખરાબ હોય ને ત્યારે તેને પસાર કરવા તેનો સામનો કરવો અઘરો હોય છે પણ જયારે તમને ખબર હોય કે કોઈ તમારી પાસે છે.કોઈ તમારી વાત સાંભળવા કોઇ પણ સમયે તૈયાર છે.કોઈ તમારી તકલીફ જાણવા અને તમને જરૂર પડે તો મદદ કરવા હંમેશા તૈયાર છે ત્યારે ખરાબ દિવસ પસાર કરવો અને તેનો સામનો કરવો સહેલો થઇ જાય છે અને તું યાદ રાખજે કે હું તારે માટે અને તારી વાત સાંભળવા તારી સાથે ખરાબ દિવસોનો સામનો કરવા હંમેશા તારી સાથે છું.અત્યારે મારી પાસે મારા મિત્રની સાથે રહેવા સિવાય કોઈ મહત્ત્વનું કામ નથી.’ સમીર પોતાની તકલીફો અને ખરાબ દિવસ વિષે વિચારતો કલાકો સુધી ત્યાં બેસી રહ્યો.

સચિન કંઈ બોલ્યા વિના શીંગ ચણા ખાતો બાજુમાં બેસી રહ્યો.પોતાના કામ મોબાઈલ પર વાતો કરી પૂરાં કર્યાં, પણ મિત્રને છોડીને ગયો નહિ અને સમીરને ન કોઈ સવાલો કર્યા.ન સલાહ આપી.માત્ર મનોમન પ્રાર્થના કરી કે તેને સાચો રસ્તો મળી જાય. બહુ વાર થઇ. તે બે કપ ચા લઇ આવ્યો. એક કપ સમીરને આપ્યો, બીજો પોતે લીધો. ચા પીતાં પીતાં સમીરે  બધી વાત કરી. પોતે જે રસ્તો વિચાર્યો છે તે પણ કહ્યો અને સચિનની સલાહ લીધી અને આટલી ધીરજથી સાથ આપવા માટે સમીર થેન્કયુ બોલી ન શક્યો, માત્ર ભીની આંખો સાથે સચિનને ભેટી પડ્યો. આશા રાખીએ કે બધાના જીવનમાં ખરાબ દિવસ આવે ત્યારે આવો એક દોસ્ત બાજુમાં હોય.

Most Popular

To Top