Business

બર્થ ડેના બીજા જ દિવસે સચિનમાં રહેતા 9 વર્ષિય બાળકનું મોત, લાશ ખાડીમાંથી મળી

સુરત: સચિન (Sachin) હાઉસિંગ નજીકની એક સોસાયટીમાંથી રમતા-રમતા ગુમ થઈ ગયેલો 9 વર્ષનો માસુમ (Child) દોઢ કલાક બાદ ઘર નજીકની ખાડીમાંથી મૃત (Death) હાલતમાં મળી આવતા પરિવાર શોકમાં સરી ગયો હતો. બાળક પોતાના મિત્રો જોડે રમવા માટે બહાર નીકળ્યો હતો. ત્યારે આ ઘટના બની હતી. બર્થ ડે (Birthday)બીજા જ દિવસે બાળકનું મોત થતાં પરિવારને આઘાત લાગ્યો છે.

  • માધવ પાર્ક સોસાયટીમાંથી રમતા રમતા નીતીશ મિત્રો સાથે ખાડી કિનારે ચાલી ગયો હોવાનું પ્રાથમિક અનુમાન
  • બપોરે રમવા ગયાના દોઢ કલાક બાદપરિવારને બાળકના મોતના સમાચાર મળ્યા

અંકિત કુમારે (મૃતકના મામા) કહ્યું હતું કે, નીતીશનો 11મીએ બર્થ-ડે હતો, મોડી રાત સુધી જાગીને ઉજવણી કરી હતી. બીજા દિવસે શાળામાં રજા પાડી બપોરે રમવા જાઉં છું કહીને નીકળ્યો હતો. તે ગયાના દોઢ કલાક બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

મામાએ વધુમાં જણાવ્યું હતું કે, ઘટના 12મીના રોજ બપોરની હતી. રમવા જાઉં છું કહીને નીતીશ ઘરેથી નીકળી ગયો હતો. ત્યારબાદ પાડોશી મહિલાને ફોન પર ખબર મળી હતી કે નીતીશનો મૃતદેહ ખાડીમાંથી મળી આવ્યો છે અને પોલીસ સિવિલ લઈ ગઈ છે. ઘટનાની જાણ બાદ પરિવાર દોડતો થઈ ગયો હતો. સિવિલ આવતાં મૃત બાળક નીતીશ જ હોવાની ઓળખ થઈ હતી. મોતને ભેટેલા નીતીશના મૃતદેહને જોઈ પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. નીતીશને બે ભાઈ અને એક બહેન છે અને તે યુપીનો રહેવાસી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નીતીશ ધોરણ-3નો વિદ્યાર્થી હતો. 11મીએ જન્મ દિવસની મોડી રાત સુધી ઉજવણીનું કહી 12 મીએ શાળાએ રજા પાડી હતી. ત્યારબાદ બપોરે ઉંઘમાંથી ઉઠેલો નીતીશ બાજુની સોસાયટીના બાળ મિત્રો સાથે રમવા જાઉં છું કહી ઘરેથી નીકળી ગયો હતો. દોઢ કલાક બાદ નીતીશ ખાડીમાં ડૂબી ગયો હોવાની જાણ બાદ આખો પ્રસંગ માતમમાં ફેરવાય ગયો હતો. હાલ પોલીસ તપાસ ચાલુ છે.

બાળકોની બૂમાબૂમ સાંભળી કામદારો બચાવવા દોડી આવ્યા
બાળકોની બૂમાબૂમ સાંભળતા નજીકમાં જ રેલવેની કામગીરી કરી રહેલા કામદારો દોડી ગયા હતા. નીતીશને પાણીમાંથી બહાર કાઢી 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમએ ઘટનાસ્થળે પહોંચી તપાસી નીતીશને મૃત જાહેર ર્ક્યો હતો. તે દરમિયાન પરિવારને જાણ થતાં સમગ્ર પરિવાર દોડી આવ્યો હતો. ત્યાર બાદ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમાર્ટમ અર્થે ખસેડાયો હતો.

Most Popular

To Top