સુરતઃ ઓટિઝમની બિમારીથી પીડાતો હોવા છતાં મહેનત, લગન અને આત્મવિશ્વાસથી સુરતના 9 વર્ષના બાળકે નેશનલ લેવલે અનોખી સિદ્ધી હાંસલ કરી છે. 9 વર્ષના તીર્થ નાકરાણીએ 1 કલાક 11 મિનિટ 4 સેકન્ડમાં 1 કિલોમીટર દરિયો ખેડીને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડર્સમાં સ્થાન મેળવ્યું છે.
- 9 વર્ષના તીર્થે નેશનલ લેવલે સુરતનું નામ રોશન કર્યું
- પોરબંદરમાં 1 કલાક 11 મિનિટ 4 સેકન્ડમાં 1 કિલોમીટર દરિયો ખેડ્યો
- સ્વિમર તીર્થ નાકરાણીનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ નોંધાયું
- તીર્થનું “India Book of Records 2026” માં IBR Achiever તરીકે સન્માન કરાયું
- તીર્થે 3 જાન્યુઆરીએ પોરબંદરમાં ઓલ ઈન્ડિયા સી સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો હતો
ગઈ તા. 3 જાન્યુઆરી 2026ના રોજ પોરબંદરમાં ઓલ ઈન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઈ હતી. તેમાં સુરતના 9 વર્ષીય તીર્થ નાકરાણીએ ભાગ લીધો હતો. પોતે ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરની (ASD 60 %)થી પીડાતો હોવા છતાં પોતાની મહેનત, લગન અને આત્મવિશ્વાસથી કઠિન પડકાર પાર પાડ્યો છે. તેની આ સિદ્ધી બદલ તેનું ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ તરફથી મેડલ, મેરિટ સર્ટિફિકેટ અને IBR એચિવરનો ખિતાબથી સન્માન કરાયું છે.
તીર્થના પિતા જૈમિશભાઈએ કહ્યું કે, ઓટિઝમ હોવા છતાં તીર્થે નિયમિત ટ્રેનિંગ, દ્રઢ મનોબળ અને હિંમતથી કઠીન પડકાર પાર કર્યો છે. તેની આ સિદ્ધી ઓટિઝમથી પીડાતા બાળકો અને તેમના માતા પિતા માટે પ્રેરણારૂપ છે.
તીર્થએ આ સિદ્ધિ પોતાના સ્વિમિંગ કોચ યશ જરીવાલાના માર્ગદર્શન હેઠળ હાંસલ કરી છે. કોચ યશ જરીવાલા દ્વારા આપવામાં આવેલી નિયમિત તાલીમ, ટેકનિક અને માનસિક પ્રોત્સાહન તીર્થની સફળતામાં મહત્વપૂર્ણ રહ્યું છે.
તીર્થના માતા-પિતા અને કોચ યશ જારીવાલા દ્વારા આ પ્રસંગે આનંદ અને ગર્વ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સિદ્ધિ સુરત શહેર માટે ગૌરવની વાત છે.