સુરત(Surat) : મહારાષ્ટ્રમાં (Maharashtra) ગલુડિયાને બિસ્કીટ ખવડાવતી વખતે તેનો નખ વાગી જતાં ડિંડોલીના 4 વર્ષના બાળકને (Kid) હડકવા (Rabies) થઈ જતાં તેનું મોત (Death) નિપજ્યું હતું. દોઢ મહિના પહેલા બાળક તેના મામાના છૂટાછેડા હોવાથી વતનમાં ગયો હતો. ત્યારે તે ઘરની બહાર કૂતરાના નાના બચ્ચાને બિસ્કીટ ખવડાવી રહ્યો હતો.
મળેલી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની રાજેન્દ્ર સુરેશભાઈ ગાયકવાડ હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલ સાઈદર્શન સોસાયટીમાં પત્ની તેમજ દીકરી ભાગ્યશ્રી અને દીકરો નૈતિક (4 વર્ષ) સાથે રહે છે. રાજેન્દ્ર ગાયકવાડ સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં રોડ વિભાગમાં નોકરી કરે છે.
રાજેન્દ્રના સંતાન પૈકી નૈતિકને ચારેક દિવસ પહેલા આંગણવાડીમાં મૂક્યો હતો. બુધવારે નૈતિકને ઠંડી લાગવાની સાથે તાવ આવવા લાગ્યો હતો. જેથી પરિવારજનોએ ઘર પાસેના મેડિકલ સ્ટોર પરથી દવા લાવીને આપી હતી. જેથી તેને તાવ સારો થઈ ગયો હતો. ત્યારબાદ તેનું વર્તન બદલાઈ ગયું હતું. જેથી પરિવારજનો તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં રિપોર્ટ કરાવ્યા હતા. પરંતુ રિપોર્ટમાં કઈ આવ્યું નહીં હતું.
ત્યારબાદ થોડા સમયમાં નૈતિકને ફરી તાવ આવતા પરિવારજનો તેને દવા આપી રહ્યા હતા. ત્યારે દવા સાથે પાણી આપતા તે ડરવા લાગ્યો હતો. જેથી તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોકટરને રેબીસ માટે શંકા જતા પરિવારને નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાની સલાહ આપી હતી. જેથી પરિવારજનો તેને સારવાર માટે ગુરુવારે સવારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન નૈતિકનું મોત નિપજ્યું હતું.
કૂતરાંના બચ્ચાને બિસ્કીટ ખવડાવતા ભાગવા જતાં પડી ગયો હતો
નૈતિકના પિતા રાજેન્દ્રએ જણાવ્યું હતું કે, અમે દોઢ મહિના પહેલા ઉત્તરાયણ વખતે મારા કલ્પેશ નામના સાળાના છુટાછેડા હતા. જેથી અમે પરિવાર સાથે ત્યાં ગયા હતા. જ્યાં નૈતિક ઘરની બહાર કૂતરાના નાના બચ્ચાને બિસ્કીટ ખવડાવી રહ્યો હતો. ત્યારે કૂતરાંના બચ્ચાંની માતા આવી જતા નૈતિક ત્યાંથી ભાગવા જતાં પડી ગયો હતો. જ્યાં તેને પગના ઘૂંટણમાં સામાન્ય ઈજા થઈ હતી. જોકે ત્યારે તે કૂતરાના બચ્ચાએ તે ઈજામાં જીભ અડાવી હતી અને તેના નંખ વાગ્યા હતા.
શુક્રવારે સવારે પરિવારના આઠ સભ્યો ઇન્જેક્શન લીધા
નૈતિકના મોત બાદ તેની વિધિ પૂરી કર્યા બાદ તેના પરિવારના આઠ સભ્યો શુક્રવારે સવારે રેબિસનું ઇન્જેક્શન લેવા માટે આવ્યા હતા. નૈતિક નાનો હતો. જેથી પરિવારમાં બધા તેની સાથે રમતાં હતાં જેથી પરિવારમાં અન્ય સભ્યને ઇન્ફેક્શન ન થાય તે માટે તેના દાદા દાદી, માતા પિતા તેમજ કાકા કાકી સહિતના સભ્યો ઇન્જેક્શન લેવા માટે આવ્યા હતા.