SURAT

સુરતમાં ખાનગી લક્ઝરી બસોનો આતંકઃ બે બહેનોના એકના એક ભાઈને રસ્તા પર કચડી માર્યો

સુરતઃ શહેરમાં રાત્રિના સમયે ખાનગી લક્ઝરી બસ ફૂલસ્પીડમાં દોડતી હોવાની અનેક ફરિયાદો ઉઠી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ લાપરવાહી અને આળસે એક આશાસ્પદ યુવકનો ભોગ લીધો છે.

ગુરુવારે રાત્રે શહેરમાં બેફામ દોડતી લક્ઝરી બસે 22 વર્ષીય યુવકનો ભોગ લીધો છે. યુવક નોકરી પર નાઈટ શિફ્ટ માટે જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે ખાનગી બસે ટક્કર મારી હતી. બસ એટલી સ્પીડમાં હતી કે તે રોકાઈ જ નહીં અને યુવકના માથા પરથી વ્હીલ ફેરવી દીધા હતા. આ અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. બીજી તરફ બસનો ડ્રાઈવર બસ મુકીને ભાગી ગયો હતો. આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રનો અને અહીં સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી કર્મેશ્વર સોસાયટીમાં પરિવાર સાથે રહેતો 22 વર્ષીય પ્રશાંત આહીર અકસ્માતનો ભોગ બન્યો છે. તેના પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે. પ્રશાંત અપરણીત છે. સારોલી ખાતે ગોડાઉનમાં રાત્રિના સમયે કપડાં પેકિંગનું કામ કરી તે પરિવારને મદદરૂપ થતો હતો.

ગુરુવારે રાત્રે પ્રશાંત નાઈટ શિફ્ટમાં નોકરી પર જવા નીકળ્યો હતો. તે ઘરેથી ચાલતો જતો હતો. કેનાલ રોડ ખાતે રંગ અવધૂત ચાર રસ્તા પાસેથી તે રોડ ક્રોસ કરતો હતો ત્યારે ફુલસ્પીડમાં આવેલી ન્યુ લક્કી નામની લક્ઝરી બસ (એઆર11એ8822)એ પ્રશાંતને અડફેટે લીધો હતો. બસ તેના માથા પરથી ફરીને આગળ નીકળી ગઈ હતી.

માથા પર ગંભીર ઈજાના પગલે પ્રશાંતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત થયો હોવાની જાણ તેના પિતાને થતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે તેમને ખબર પડી હતી કે અકસ્માત તેમના એકના એક દીકરાનો થયો છે અને તેનું મોત થયું છે. હાલ તો પ્રશાંતના પિતાએ બસના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ સાથે પોલીસ દ્વારા બસના ચાલકને પકડી પાડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

Most Popular

To Top