SURAT

વરાછાના આ વિસ્તારમાં રહેતા 20 વર્ષના યુવકને કોરોના થયો

સુરત: છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ નહીવત્ પ્રમાણમાં છે. છેલ્લે 27 ડિસેમ્બરે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. હાલ 67 દિવસ બાદ કોરોનાનો એક કેસ નોંધાયો છે. એ. કે. રોડ, વરાછામાં રહેતા 20 વર્ષના પુરૂષનો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીને ત્રણ દિવસથી શરદી, ખાંસી અને તાવની ફરિયાદ હતી. આથી ફુલપાડા અર્બન હેલ્થ સેન્ટર ખાતે સારવાર માટે પહોંચ્યા હતા. પાંચમી માર્ચે દર્દીએ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દીના સેમ્પલ જીનોમ સિકવન્સિંગ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

  • છેલ્લે 27 ડિસેમ્બરે કોરોનાનો કેસ નોંધાયો હતો: હાલ મનપા દ્વારા પ્રતિદિન 400 જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે

આ દર્દીને બીજી કોઈ ગંભીર બિમારી નથી તેમજ તેમની તબિયત હાલમાં સ્થિર છે અને ઘરે આઈસોલેનશમાં સારવાર હેઠળ છે. દર્દી વરાછાના હીરાના કારખાનામાં નોકરી કરે છે. દર્દીના સંપર્કમાં આવેલા ઘરના ત્રણ સભ્યોના ટેસ્ટ કરાયા છે. જ્યારે કામના સ્થળ પર સંપર્કમાં આઠ સભ્યોનું કોન્ટેક્ટ ટ્રેસિંગ તથા ટેસ્ટિંગની કામગીરી કરવામાં આવી છે, જે તમામ નેગેટિવ આવ્યા છે. દર્દીને કોઈ ટ્રાવેલિંગ તથા પબ્લિક ગેધરિંગની હિસ્ટ્રી નથી. દર્દીને અગાઉ કોવિડની હીસ્ટ્રી પણ નથી. દર્દી તથા તેના પરિવારજનોએ કોવિડ રસીના તમામ ડોઝ લીધા છે. 2023માં કોરોનાનો આ પ્રથમ કેસ નોંધાયો છે. મનપા દ્વારા હાલ પ્રતિદિન 400 થી 500 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

પુણા ગામની ક્રિષ્ણાનગર સોસાયટીમાં ગટરીયા પૂરથી લોકો ત્રાહિમામ
સુરત: વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ગટરના પાણી ઊભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે અંગે સ્થાનિકો દ્વારા વારંવાર વરાછા ઝોન ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં સમસ્યાનું નિરાકરણ આવી રહ્યું નથી. આથી લોકોને ગંદકી વચ્ચે રહેવાનો વારો આવ્યો છે.
છેલ્લા એક સપ્તાહથી નર્કાગાર સ્થિતિ વચ્ચે રહેવા માટે લોકો મજબૂર બન્યા છે. વરાછા ઝોનમાં પુણા ગામના નાગરિકોને છેલ્લા એક સપ્તાહથી ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સોસાયટીમાં ગટરિયા પૂરને પગલે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિકોની રજૂઆત સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ગટરિયા પૂરના કારણે મચ્છર સહિત દુર્ગંધની સમસ્યાને કારણે ક્રિષ્નાનગર સોસાયટીના રહેવાસીઓ માટે ઘરની બહાર નીકળવું પણ દુષ્કર સાબિત થઈ રહ્યું છે. આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતાં લોકો રોષે ભરાયા છે.

Most Popular

To Top