ભરૂચ: આજે બુધવારે સવારે ભરૂચના નેશનલ હાઈવે 48 (Bharuch NH48) પર ભયાનક ઘટના બની હતી. અહીંથી પસાર થતાં એક 16 પૈંડાના ભારે ક્રેઈનમાં અચાનક આગ (Fire In Crain) ભડકી ઉઠી હતી. 300 ટન વજન ઉઠાવવાની ક્ષમતા ધરાવતા વિરાટ ક્રેઈનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ડ્રાઈવર અને ક્લીનર ક્રેઈન છોડી ભાગ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે તેને ઓલવવા માટે ચાર કલાક સુધી મથામણ કરવી પડી હતી.
- ભરૂચ હાઇવે પર ૧૬ વ્હિલની અઢી કરોડની હેવી ક્રેન ભડકે બળી
- વહેલી સવારે બનેલી ઘટનાથી NH-૪૮ પર બન્ને તરફ ટ્રાફિકજામ સર્જાયો
- ઇન્ડસ્ટ્રીયલ ક્રેનની આગ ઓલવાઈ તે પેહલા જ મોટો ભાગ બળીને ખાખ
ભરૂચ નજીક નેશનલ હાઇવે પર ટોલ પ્લાઝા નજીક જ મહાકાય ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં બન્ને તરફનો હાઇવે નો વાહન વ્યવહાર થંભી ગયો હતો. મદદ માટે આવી રહેલા ભરૂચ અને અંકલેશ્વરના ફાયર ફાઈટરો પણ ટ્રાફિક જામમાં અટવાયા હતા.
ભરૂચના ઝાડેશ્વરથી અંકલેશ્વરને જોડતા નેશનલ હાઇવે ૪૮ ઉપર આજે સવારના સુમારે મહાકાય ક્રેનમાં એકાએક આગ ભભુકી ઉઠતા ભારે નાસભાગ મચી જવા પામી હતી. જોત જોતામાં ધુમાડાના ગોટેગોટા નજરે પડતા ઉપસ્થિત રાહદારીઓએ નેશનલ હાઇવે રૂટ પેટ્રોલિંગ ટીમને જાણ કરતા ફાયર ફાયટરો સ્થળ પર દોડી આવવા રવાના થયા હતા.
હાઇવે પરના ટ્રાફિકને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. વડોદરા – સુરત તરફની બન્ને લેનમાં વાહનોની કતારો ખડકાઈ જતા આગગ્રસ્ત ક્રેઈન સુધી પહોંચવા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ચાર જેટલા ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં આગ ઉપર કાબુ મેળવી લેતા ટ્રાફિકજામ પણ હળવો થયો હતો. ગણતરીના સમયમાં આગ કાબુમાં આવી જતા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આગની ઘટનામાં સદનસીબે કોઈને પણ જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે આગમાં ઇન્ડસ્ટ્રીયલ હેવી ક્રેન મોટા ભાગે બળીને ખાખ થઈ ગઈ હતી. ૩૦૦ ટન વજન ક્ષમતા ધરાવતી અઢી કરોડની જાયન્ટ ક્રેઈન જોત જોતામા કાટમાળ જેવી નજરે પડતી હતી. આગ ક્યાં કારણોસર લાગી તેનું કારણ બહાર આવ્યું ન હતું.