ગોત્રી યશ કોમ્પ્લેક્સ તરફ જવાના માર્ગે બની ઘટના :
ફાયરબ્રિગેડના જવાનોએ આગ બુઝાવી,મોપેડ બળીને ખાખ :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરના ગોત્રી યશ કોમ્પલેક્ષ તરફ જવાના રસ્તા ઉપર એક્સેસ મોપેડમાં પેટ્રોલ લીકેજ થયા બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી મોપેડ સવારે સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેથી તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

વડોદરા શહેરમાં નવા વર્ષના પ્રારંભે થી શરૂ થયેલ આગ અકસ્માતના બનાવોનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે, તેવામાં વધુ એક આગ લાગવાની ઘટના બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મોપેડમાં આગ લાગી હતી. એક યુવક પોતાની મોપેડ લઈને ગોત્રી યશ કોમ્પલેક્ષ તરફના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, તે દરમિયાન અચાનક તેના એક્સેસ મોપેડમાં પેટ્રોલ લીકેજ થયા બાદ આગ લાગી હતી. જેથી કરીને મોપેડ સવાર તાત્કાલિક મોપેડ છોડી દૂર ખસી ગયો હતો. તેવામાં એકાએક આગે સમગ્ર મોપેડને પોતાની લપેટમાં લઈ લીધું હતું. આ ઘટનાને જોઈ બનાવ સ્થળે લોક ટોળા એકત્ર થઈ ગયા હતા. જ્યારે આ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી તાબડતોડ ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.