સુરત: શહેરના પોશ ગણાતા એવા પાલ (Pal) વિસ્તારમાં વર્ષો જુની સમસ્યાનું નિરાકરણ તંત્ર લાવી રહ્યું નથી. સ્માર્ટ સિટી (Smart City) ગણાતી સુરત (Surat) શહેરમાં માત્ર ખાડીની (Bay) ગંદકીની સમસ્યા ઉકેલાતી નથી તે વાત જ જાણે ગળે ઉતરે તેમ નથી. તંત્રને માત્ર કાગળ પર જ કામગીરી બતાવવી છે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં સુરત મનપાનું તંત્ર જાણે આળસ કરી રહ્યું હોય તેવું જણાઈ રહ્યુ છે. સુરત મનપાના રાંદેર ઝોનમાં કે જ્યાં દર વખતે ચુંટણીમાં (Election) ભાજપને (BJP) ખોબા ભરીભરીને મત મળતા હોય છે ત્યાંના સ્થાનિક કોર્પોરેટરો, સ્થાનિક ધારાસભ્યો પ્રજાની મુશ્કેલીનું નિરાકરણ લાવવામાં હવે જાણે રસ જ ન હોય તેવી પ્રતીતિ થઈ રહી છે. ભાઠા ખાડીની (Bhatha Bay) ગંદકીની સમસ્યા વર્ષો જુની છે અને અહી પાણીની ભરાવા અને ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. અને પ્રજાને આવી જ ગંદકી અને મચ્છરની સમસ્યામાં રહેવાનો વારો આવ્યો છે.
- છેલ્લા ઘણા વર્ષોથી પાલ- ભાઠા, પાલનપોર અને અડાજણવાસીઓ ભાઠા ખાડીની સમસ્યાથી પિડાઈ રહ્યાં છે પરંતુ નિંભર તંત્રના કાને વાત પહોંચતી નથી
- સ્થાનિક કોર્પોરેટરો પણ બેદરકાર, માત્ર મત લેવા માટે દોડ્યા બાદ હવે સમસ્યા મામલે આંખ આડા કાન કરી રહ્યાં છે
ભાઠા વિસ્તાર પણ હવે સુરત મનપામાં સમાવી લેવાયો છે. દોઢ વર્ષ પહેલા ભાઠા ખાડીમાં મચ્છરનો ઉપદ્વવ શોધવા માટે તંત્રએ ડ્રોન કેમેરાની મદદથી શુટીંગ પણ કર્યું હતું, જેમાં મનપાના ડ્રેનેજના (Drainage) કારણે જ મચ્છરનો ઉપદ્રવ થતો હોવાની વાત બહાર આવી હતી. મનપાના ડ્રેનેજના ત્રણ આઉટલેટનું પાણી ચોકઅપ થયેલી ખાડીમાં જમા થતાં છેલ્લા ઘણા વર્ષોથી અહી મચ્છરનો ઉપદ્રવ થાય છે. લોકોની ફરીયાદને તંત્ર અને સ્થાનિક નગરસેવકો પણ ધ્યાને હવે લઈ રહ્યા નથી અને માત્ર દવાનો છંટકાવ કરીને જ સંતોષ માની લેતા હોય છે. સ્માર્ટ સીટીના બણગા ફુંકતી સુરત મહાનગરપાલિકા વર્ષોથી એક સમસ્યાનું નિરાકરણ લાવી શકી નથી.
ખેડુતો ડ્રેનેજનું પાણી ખેતરમાં છોડે છે જેથી પણ મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે
મનપા તંત્રની સુચના છતાં પણ કેટલાક ખેડુતો (Farmers) ડ્રેનેજ લાઈન પર પમ્પ (Pump) મુકીને ખેતરમાં પાણી આપે છે. આવા ખેડૂતો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા સુચના અપાઇ હતી પરંતુ ત્યારબાદ તંત્ર દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. મનપા દ્વારા જે-તે સમયે સુચના આપવામાં આવી હતી કે, ડ્રેનેજનું પાણી કોઈ ખેડુત દ્વારા ડ્રેનેજમાંથી પાણી કાઢવા માટે મોટર મુકી હોય તે મોટર પણ જપ્ત કરાશે. કેટલાક ખેડૂતો ડ્રેનેજનું પાણી ખેતરમાં મુકતા હોવાથી પાલ-પાલનપોર- રાંદેર વિસ્તારમાં મચ્છરનો ત્રાસ વધ્યો હોવાનું કારણ બહાર આવ્યું હતું. ભુતકાળમાં પણ આવું કારણ બહાર આવ્યું હતું.
ખાડીના સર્વે માટે કન્સલન્ટન્સીની નિમણુંક કરી છે: સી.બી વસાવા (કાર્યપાલક ઈજનેર, રાંદેર ઝોન)
ભાઠા ખાડીમાં પાણીનો ભરાવો અને ગંદકી થાય છે જેથી ચોમાસા દરમિયાન પ્રિ-મોન્સુન કામગીરી હેઠળ પોકલેન્ડથી દર વર્ષે સફાઈ કરવામાં આવે જ છે. અને દવાનો છંટકાવ પણ કરવામાં આવે છે. ખાડીની ગંદકીના કાયમી ઉકેલ માટે સર્વેની કામગીરી માટે કન્સલટન્સીની નિમણુંક કરી દેવામાં આવી છે. ત્યારબાદ ચોક્કસ ઉકેલ લાવી કામગીરી કરાશે.