હજુ થોડા સમય પહેલાં પંજાબ ડ્રગ્સ (Drugs) માટે બદનામ હતું. સરહદ પારથી પંજાબમાં ડ્ર્ગ્સ ઠલવાતું હતું જે બાદમાં આખાય દેશમાં પહોંચાડવામાં આવતું હતું, પરંતુ હવે ગુજરાત (Gujarat) ડ્રગ્સ માટે સેફ પેસેજ બનવા માંડ્યું છે. હજુ થોડા સમય પહેલાં જ મુન્દ્રાના અદાણી પોર્ટ (Adani Port) પરથી એજન્સીઓએ કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડ્યું હતું. આજે એજન્સીઓએ દેવભૂમિ દ્વારકામાંથી (Dwarka) કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.
ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બનવા લાગ્યો છે. દરિયા માર્ગેથી ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડાયો છે. અહીં દેવભૂમિ દ્રારકાના દરિયા કિનારેથી દરિયાઈ માર્ગેથી આવતું 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સની આંતરાષ્ટ્રીય કિંમત અંદાજે 350 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે. જેમાં 16 કિલો હેરોઈન અને 50 કિલો એમડી ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ પાસેથી ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે. ખંભાળિયા નજીકથી રૂપિયા 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખ્સની પોલીસે ધરપકડ કરી છે. ATS, LCB અને SOGની ટીમે સંયુક્તરીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યુ હોવાની પોલીસે બાતમી મળી હતી. જે આધારે દેવભૂમિ દ્વારકા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી એક શખ્સને ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લીધો છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો દ્રગ્સ સાથે ઝડપી લેવાયો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ હોવાનું માનવામાં આવે છે. જોકે, કુલ 66 કિલો જેટલું ડ્રગ્સ પકડાયું છે. જેની કિંમત 350 કરોડનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, તાજેતરમાં મુંદ્રામાંથી અંદાજીત રૂપિયા 21 હજાર કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. ટેલકમ પાવડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. 21 હજાર કરોડના ડ્રગ્સ કેસ ઉપરાંત શંકાસ્પદ કન્ટેનરો અંગે પણ NIAએ તપાસ શરૂ કરી છે. DRIએ 21 હજાર કરોડનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો હતો. આ કેસમાં NIA આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફીયાઓની સંડોવણી અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ અફઘાનિસ્તાનથી આવતા અર્ધ પ્રોસેસ્ડ ટેલ્કમ સ્ટોન્સના માલની આડમાં હેરોઈનની જપ્તી સાથે સંબંધિત છે, જે ઈરાનના અબ્બાસ બંદરેથી મુંદ્રા બંદરે પહોંચ્યું હતું.
સુરતમાં 5.85 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું
બીજી તરફ સુરતમાં પણ આજે 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં પ્રવીણ બીસનોઈ નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરતના પુણા પાસેની નિયોલ ચોકડી પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. રાજસ્થાનથી સુરત ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે.