Editorial

અમેરિકામાં વિદેશી પ્રવાસીઓ માટે દોઢ વર્ષ સુધી રહેલા પ્રતિબંધો ખરેખર એક ઐતિહાસિક બાબત છે

અમેરિકાએ સોમવારે મેક્સિકો, કેનેડા અને મોટાભાગના યુરોપ સહિતના દેશોની લાંબી સૂચિ પરના મુસાફરી પ્રતિબંધો હટાવ્યા. આ સાથે અમેરિકામાં દોઢ વર્ષ કરતા વધુ સમય, લગભગ ૨૦ મહિનાથી ચાલી રહેલ વિદેશી પ્રવાસીઓને પ્રવેશ પરનાં પ્રતિબંધોનો લગભગ સંપૂર્ણ અંત આવી ગયો છે. વિશ્વમાંથી સૌથી વધારે લોકોનો જે દેશ તરફ સામાન્ય રીતે ધસારો રહેતો હોય છે તેવા અમેરિકામાં હવે વિદેશોમાંથી માન્ય રસીના પૂરા ડોઝ લીધેલા લોકો પ્રવેશ કરી શકશે અને તેમણે કોઇ ટેસ્ટ કે કવોરેન્ટાઇનની જરૂર રહેશે નહીં. અમેરિકાના દરવાજા વિદેશી પ્રવાસીઓ માટે આટલા લાંબા સમય સુધી બંધ રહ્યા તે પણ એક ઐતિહાસિક બાબત છે.

સોમવારથી અમલમાં આવેલા નિયમો એવા દેશોની શ્રેણીમાંથી હવાઈ મુસાફરીને મંજૂરી આપે છે, જ્યાંથી મુસાફરી મહામારીની શરૂઆતના દિવસોથી પ્રતિબંધિત છે – જ્યાં સુધી પ્રવાસી પાસે રસીકરણ સર્ટિફિકેટ અને કોરોનાનો નેગેટિવ ટેસ્ટનો રિપોર્ટ ન હોય ત્યાં સુધી આ દેશોના લોકોને અમેરિકામાં પ્રવેશ અપાતો ન હતો. . હવે, અમેરિકામાં પ્રવેશ કરનારાઓને રસીકરણના પુરાવાની જરૂર પડશે, પરંતુ કોઈ ટેસ્ટના રિપોર્ટની નહીં. જ્યાં વિશ્વભરમાંથી દર વર્ષે લાખો લોકો પર્યટને કે ધંધા, રોજગાર અંગેના પ્રવો આવતા હોય છે તે અમેરિકામાં કોવિડ-૧૯નો વૈશ્વિક રોગચાળો શરૂ થયા બાદ વિદેશોથી આવનારા મુસાફરો પર પ્રતિબંધો મૂકી દેવાયા હતા, બાદમાં આ પ્રતિબંધો હળવા કરાયા હતા પણ તેમાં શરતો હતી, પણ હવે આ ઐતિહાસિક પ્રતિબંધો સંપૂર્ણ ઉઠી ગયા છે અને ભારત સહિતના દુનિયાભરના મોટા ભાગના દેશોના લોકો અમેરિકાની મુલાકાતે જઇ શકશે. જો કે આ માટે તેમણે કોવિડની માન્ય રસીના પૂરા ડોઝ લીધા હોવા જોઇએ.

અમેરિકાના નાગરિકો અને કાયમી રહેવાસીઓને હંમેશા અમેરિકામાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. પરંતુ, ટ્રાવેલ પ્રતિબંધે પ્રવાસીઓ, બિઝનેસ ટ્રાવેલર્સને અટકાવી દીધા હતા અને ઘણા પરિવારો અલગ પડી ગયા હતા.એરલાઇન્સ હવે મુસાફરીમાં વધારો કરવાની તૈયારી કરી રહી છે. ટ્રાવેલ અને એનાલિટિક્સ ફર્મ સિરિયમના ડેટા દર્શાવે છે કે, એરલાઇન્સ યુકે અને યુએસ વચ્ચે ગયા મહિનાની સરખામણીએ આ મહિને 21 ટકા જેટલી ફ્લાઇટ્સ વધારી રહી છે.  અમેરિકાએ વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પરના પ્રતિબંધો ઉઠાવી લેતા અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકોમાં ખુશાલી વ્યાપી ગઇ છે. કાયમી વસવાટના અધિકાર ધરાવતા કે એચ-૧બી જેવા વિઝાઓ પર અમેરિકા ગયેલા ભારતીયોને આ પ્રતિબંધો ઉઠી જવાથી મોકળાશનો અનુભવ થઇ રહ્યો છે.

અમેરિકામાં વસતા ઘણા ભારતીય કુટુંબો પોતાના સ્વજનોને મુલાકાત માટે, નાના બાળકોની સંભાળ માટે, ફરવા માટે ભારતથી બોલાવતા હોય છે પણ દોઢ વર્ષ કરતા વધુ સમયથી આ બધુ લગભગ અટકી ગયું હતું પણ હવે ભારતીયો પોતાના સ્વજનોને ફરવા માટે કે કૌટુંબિક પ્રસંગો માટે બોલાવી શકશે. આવું જ બીજા દેશોના લોકોના સંદર્ભમાં પણ છે. હવાઈ મુસાફરી પરના પ્રતિબંધ મૂકવામાં આવેલા આવ્યા હોવાથી પ્રિયજનોએ રજાઓ, જન્મદિવસ અને અંતિમ સંસ્કાર ચૂકી ગયા હતા. તેઓ હવે ફરીથી પોતાના સ્વજનોને મળી શકશે. આ પ્રતિબંધોને કારણે અમેરિકાના પ્રવાસન અને પર્યટન ઉદ્યોગને પણ મોટો ફટકો પડ્યો હતો. હવે પ્રતિબંધો ઉઠતા અમેરિકાનો પર્યટન અને પ્રવાસ ઉદ્યોગ પણ ફરી ધમધમતો થવાની આશા છે. આખી દુનિયાના આકર્ષણના કેન્દ્ર એવા અમેરિકાના આટલા લાંબા પ્રવાસ પ્રતિબંધો કેવી દુનિયા પર કેવી અસર કરે છે અને આ પ્રવાસ પ્રતિબંધો ઉઠતા કેટલા બધા લોકો આનંદિત થઇ જાય છે તે પણ એક નોંધ લેવા જેવી બાબત છે.

Most Popular

To Top