આ દેશમાં એક અંદાજ મુજબ જન્મથી આંખની રોશની ગુમાવી બેઠેલા પ્રજ્ઞાચક્ષુની સંખ્યા ચાર કરોડની છે. આવા કમનસીબ નેત્રહીન માનવીને મન દિવાળીની રોશની અને રંગોળી કેવી? કાંઇ ખબર નથી. એનાથી તેઓ અનજાણ છે. માત્ર કલ્પનાશકિત દ્વારા તેઓ એની અનુભૂતિ કરી શકે છે. તેઓનું જ્ઞાનચક્ષુ બહુ શકિતશાળી હોય છે. જેના થકી તેઓ દરેક ક્ષેત્રમાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપી જીવન નિર્વાહ કરી રહ્યા છે. ઉપરવાળા તફથી મળેલા આ વરદાનને ગોડગીફટ કહી શકાય. જીવનકાળ દરમિયાન કઇ કેટલાંય લોકો કોઇ કારણસર અકસ્માત દ્વારા આંખની રોશની ગુમાવી બેસે છે.
એવા ભાગ્યશાળી લોકોને ફરી નેત્રદાન યજ્ઞ દ્વારા એમના ઓપરેશન પછી નવું જીવન મળી જાય છે. આ દેશમાં આ દિશામાં બહુ વિશાળ પાયા પર કેટલીક સેવાભાવી સંસ્થાઓ સતત દિનરાત સેવા આપી રહી છે. આવા ભગીરથ કાર્યમાં આપણું સુરત શહેર પણ વિશિષ્ટ યોગદાન આપી રહ્યું છે. જીવનકાળ દરમિયાન રકતદાન મૃત્યુ બાદ નેત્રદાન સંસ્થાના આ સોનેરી સૂત્રને સાકાર કરી તેઓ ઠેરઠેર નેત્રયજ્ઞના કાર્યક્રમો દ્વારા તેઓએ લોકોનાં દિલ જીતી લીધાં છે. દિનપ્રતિદિન આ સેવાયજ્ઞમાં યુવા વર્ગ પણ જોડાઈ રહ્યા છે. જે એક ખરેખર સારી નિશાની છે. ફકત એ લોકોને સમય પર જાગૃત કરવાની જરૂર છે. નેત્રદાન દ્વારા તમારું જીવન સાથે મૃત્યુ પણ સફળ થઇ જશે. અહીં એક હિન્દી ફિલ્મના શાયરના અર્થસભર ગીતની યાદ આવે છે. અંધેરે મે જો બેઠે હૈ, નજર ઉપર ભી તુમ ડાલો. અરે ઓ રોશનીવાલો.
સુરત – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.