સુરત: (Surat) હીરાના કારખાનામાં વેકેશન (Vacation) પડતાની સાથે જ હવે રત્નકલાકારોએ (Diamond Workers) જુગાર રમવાનું શરૂ કરી દીધું છે. પોલીસે સરથાણામાંથી છ જુગારીને (Gambling) પકડી પાડીને તેમની પાસેથી રૂ.1.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ બાપા સીતારામ ચોક પાસે સમૃદ્ધિ પાર્ક સોસાયટીમાં રહેતા ભાવિક શાંતિલાલ ઠક્કર, પુણાગામ સીતાનગર સોસાયટીમાં રહેતા અશોક બાબુભાઇ પટેલ, શ્રીનાથ સોસાયટીમાં રહેતા પરસોત્તમભાઇ ભીમજીભાઇ માંગુકિયા, વરાછા ગોપાલનગરમાં રહેતા મદુભાઇ પરસોત્તમભાઇ અકબરી, મોટા વરાછા-અબ્રામા રોડ ઉપર હરેકૃષ્ણ સોસાયટીમાં રહેતા હર્ષદ દલસુખ કાછડિયા તેમજ સીમાડા ગામમાં સુવિધા રો હાઉસમાં રહેતા નિકુંજ નરેશ પાનસુરિયાની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ તમામની ધરપકડ કરી તેમની પાસેથી અંગઝડતી તેમજ દાવ ઉપરના મળીને કુલ રૂ.1.82 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે તમામની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સચિન જીઆઇડીસીમાં દિવાળી વેકેશનમાં ચોરી અટકાવવા ઉદ્યોગો-પોલીસ સહિયારો પ્રયાસ કરશે
સુરત: દક્ષિણ ગુજરાતમાં વિસ્તારની દૃષ્ટિએ બીજા નંબરની સૌથી મોટી જીઆઇડીસી સચિનમાં 760 હેકટર વિસ્તારમાં પથરાયેલા ઉદ્યોગોની દિવાળી વેકેશન દરમ્યાન સલામતી માટે પોલીસ અને ઇન્ડસ્ટી સહિયારો પ્રયાસ કરશે. ખાસ કરીને સચિન જીઆઇડીસીમાં દિવાળી વેકેશન દરમ્યાન ચોરીના બનાવો અટકાવવા ઉદ્યોગો અને પોલીસ બંને ભેગા મળી કાર્ય કરશે.
સચિન જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીઝ એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, સચિન જીઆઇડીસી પોલીસ, નોટીફાઇડ ઓથોરીટીનો સિકયોરિટી અને ફાયર સ્ટાફ વેકેશનમાં ડે-નાઇટ પેટ્રોલિંગ કરશે. જીઆઇડીસીનો એરિયા ખૂબ વિશાળ હોવાથી ઉદ્યોગોએ જીઆઇડીસી પોલીસને 2 પેટ્રોલિંગ વાહનો સાથે સિકયોરિટીનો સ્ટાફ પોલીસ સાથે ફાળવવાનું નકકી કર્યું છે. 8 કલાકની 3 શિફટ પ્રમાણે અગિયારસ સુધી બંને તંત્રો પેટ્રોલિંગનું કામ કરશે. નોટીફાઇડ દ્વારા જીઆઇડીસીના દરેક પ્રવેશદ્વારે અને જીઆઇડીસીની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. નિર્જન વિસ્તારોમાં એલઇડી સ્ટ્રીટલાઇટ મુકવામાં આવી છે.