Columns

યોગ્ય શરૂઆત કરો

એક રાજાને કોઈ સંતાન ન હતું.રાજાએ પોતાના પિતરાઈ ભાઈના નાના પુત્રમાં એક હીર જોયું કે તે હંમેશા નવી નવી બાબતો શીખવા તત્પર રહેતો હતો એટલે રાજાએ તેને દત્તક લેવાનું નક્કી કર્યું અને તે નાના કુંવરને પોતાની રીતે કેળવવાનું શરૂ કરી દીધું.નાનો દત્તક કુંવર બહુ હોશિયાર હતો.રાજા જે શીખવાડે તે તરત શીખી જતો અને થોડાં વર્ષો વીત્યાં રાજાને સમજાઈ ગયું કે તેનો નિર્ણય ખોટો નથી.તેણે કુંવરને સમજાવ્યું કે તે બીજા કરતાં અલગ છે. તેનામાં એક હીર છે જેને તેણે સતત ચમકાવવાનું રહેશે.

કુંવર રાજાની બધી વાતનું પાલન કરતો. એક દિવસ તેણે રાજાને પૂછ્યું, ‘પિતાજી, તમારી કીર્તિ ચોમેર ફેલાયેલી છે. તમે આટલા મહાન કઈ રીતે બન્યા.’ રાજા હસ્યા અને કહ્યું, ‘તે તને આજે નહિ સમજાય, તું મહાન બનીશ ત્યારે જ ખ્યાલ આવશે.’  કુંવર બોલ્યો, ‘પિતાજી, હું તમારા જેટલો મહાન બની શકીશ ખરો?’ રાજાએ કહ્યું, ‘મને તેમાં કોઈ શંકા નથી અને તું પણ શંકા રાખતો નહિ, હંમેશા વિશ્વાસ રાખજે કે મહાન કાર્યો જ માણસને મહાન બનાવે છે.મેં તારામાં તે હીર જોયું છે;તું મહાન કાર્યો કરી શકીશ.’ કુંવરે પૂછ્યું, ‘પિતાજી, મહાન કાર્યો કરવાં અને તેમાં સફળ થવા શું કરવું જોઈએ?’ રાજાએ કહ્યું, ‘કુંવર, સૌથી પહેલાં તો સતત જાગ્રત રહેવું અને યોગ્ય શરૂઆત કરવી.વિચારો અને કાર્યોને યોગ્ય દિશામાં રાખવા અને કોઈ પણ વાતનું મૂલ્ય ઓછું આંકવું નહિ.કોઈ બાબત અવગણવી નહિ.’ કુંવરે રાજાની વાતને સતત યાદ રાખવા પોતાના કક્ષમાં એક દીવાલ પર મરોડદાર અક્ષરોમાં લખ્યું

  • સફળ થવા માટે ……
  • યોગ્ય શરૂઆત કરો
  • યોગ્ય વિચાર રાખો
  • યોગ્ય કાર્ય કરો
  • કોઈ પણ વસ્તુ ભૂલો નહિ
  • કોઈ બાબતની અવગણના ન કરો

રાજાએ કુંવરના કક્ષમાં દીવાલ પર લખેલાં પાંચ વાક્યો જોઈ હસીને કહ્યું, ‘વાહ શાબાશ કુંવર તેં સરસ યોગ્ય શરૂઆત કરી જ દીધી.’  આ પાંચ વાક્યો કુંવર દિવસમાં સતત વાંચતો રહેતો અને તેનું પાલન કરતો અને આ પાંચ સૂત્રોના આધારે જ તેણે જીવન ઘડ્યું અને મહાન રાજા બન્યો. અત્યારે પણ જો જીવનમાં સફળ થવું હોય તો આ પાંચ સૂત્રો બધાએ જીવનમાં અપનાવવા જેવાં, યાદ રાખવા જેવાં છે.   
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top