Editorial

તહેવારોમાં ધ્યાન નહીં રાખો તો ભારતમાં કોરોનાની નવી લહેર જરૂર આવશે

કોરોના કેસ ઘટી જતાં ગુજરાત સરકારે (Gujarat Government) ધીરેધીરે પ્રતિબંધોમાં છૂટ મુકવા માંડી છે. સરકારે 8 મહાનગરોમાં જે રાત્રિ કરફ્યુ હતો તેનો સમય પણ ઘટાડી દીધો છે. થિયેટરો ફુલ કેપેસિટીએ ખોલવા માટે મંજૂરી આપી દીધી છે. હોટલ-રેસ્ટોરન્ટને પણ 12 વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે મંજૂરી આપી દીધી છે. સુરતમાં (Surat) 100 ટકા લોકોને કોરોનાની રસીનો (Corona Vaccine) પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ 100 ટકા લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. કોરોના મામલે સરકાર ધીરેધીરે નચિંત થઈ રહી છે અને લોકો બેફિકરા થવા માંડ્યા છે. જોકે, આ સ્થિતિ ગંભીર છે. જે રીતે લોકો કોરોના મામલે ડર બાજુ પર મુકીને ગાઈડલાઈનનો ભંગ કરી રહ્યા છે તે જોતાં આગામી દિવસોમાં કોરોના ફરી ત્રાટકવાની સંભાવના જોવાઈ રહી છે. ભારતીય લોકો એ નહીં ભૂલે કે કોરોનાએ વિશ્વના અન્ય દેશોમાં ફરી દસ્તક દેવા માંડી છે અને જોવા જેવું છે કે અનેક દેશોમાં ફરી લોકડાઉનની જાહેરાતો પણ કરવામાં આવી રહી છે.

વિશ્વના જે દેશોમાં કોરોનાના કેસ હવે વધી રહ્યા છે તેમાં રશિયામાં(Russia) છેલ્લા 24 જ કલાકમાં રેકોર્ડ બ્રેક 40 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે 1159 લોકોના મોત થયા છે. રશિયામાં કેસ નોંધાવાને કારણે મોસ્કોમાં 11 દિવસનો પ્રતિબંધ (Lockdown) લાગુ કરી દેવામાં આવ્યો છે. ચીનમાં (China) પણ વધેલા કેસને કારણે કોરોના વાયરસને નાથવા યુદ્ધ જેવી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ચીનમાં ઉત્તરપૂર્વિય શહેરોમાં પ્રતિબંધ લગાડવા માટેની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં ગામડાઓના શહેર સાથેના સંપર્કો કાપી નાખવામાં આવ્યા છે. ચીનમાં બુધવારે કોરોનાના 23 કેસ જોવા મળ્યા હતા. આજ રીતે એક વર્ષ પછી ન્યુઝિલેન્ડમાં દક્ષિણ દ્વીપમાં કોરોનાનો એક કેસ નોંધાયો છે. એક કેસ નોંધાયો તે મહત્વનું નથી પરંતુ આ એ કેસ એક વર્ષ પછી નોંધાયો છે તે બાબત ગંભીર છે. આજ રીતે જર્મનીમાં પણ એપ્રિલ માસ કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા છે. ગુરૂવારે જર્મનીમાં રેકોર્ડબ્રેક 28 હજાર કેસ નોંધાયા હતા.

ફ્રાન્સમાં પણ કોરોનાનો સંક્રમણ દર હાલમાં 16 ટકા વધી ગયો છે. ફ્રાન્સમાં એક સપ્તાહથી રોજ સરેરાશ 5000થી પણ વધુ કેસ કોરોનાના નોંધાઈ રહ્યા છે. બ્રિટનમાં પણ કોરોના ફરી વકર્યો છે. બ્રિટનમાં બુધવારે કોરોનાના 43 હજારથી પણ વધુ કેસ નોંધાવાની સાથે આશરે 9000 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. બ્રિટન સરકાર આગામી દિવસોમાં બ્રિટનમાં પણ પ્રતિબંધો લાદવા માટે વિચારી રહી છે. સિંગાપોરમાં પણ જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેણે ચિંતા ઊભી કરી છે. યુક્રેનમાં પણ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 26 હજારથી વધુ કેસ નોંધાવાની સાથે 500થી વધુ દર્દીઓના મોત થયા છે. આ કારણે યુક્રેનમાં તેની રાજધાની કિવમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાથી પ્રભાવિત દેશોમાં બેલ્જિયમ અને આયર્લેન્ડનો પણ સમાવેશ થાય છે.

બેલ્જિયમના સ્વાસ્થ્ય મંત્રીએ તો એવું માની લીધું છે કે તેમનો દેશ કોરોનાની ચોથી લહેરનો સામનો કરી રહ્યો છે.

વિશ્વમાં કોરોના સામેની રસીકરણ વ્યાપક રીતે ચાલી રહ્યું છે. પરંતુ સાથે સાથે કોરોનાને લગતી ગાઈડલાઈનનું પાલન પણ હજી જરૂરી છે. લોકો માસ્ક પહેરતા નથી. સોશિયલ ડિસ્ટન્સ જાળવતાં નથી. તેમાં પણ ભારતમાં હાલમાં તહેવારોનો સમય હોવાથી ગાઈડલાઈનનો તો છેદ જ ઊડી જવા પામ્યો છે. ગુજરાત અને ભારતમાં સદ્દનસીબે હજુ કોરોનાના કેસ એટલા પ્રમાણમાં વધ્યા નથી પરંતુ સાથે સાથે તકેદારી એટલી જ જરૂરી છે. કોરોનાની ફરી લહેર નહીં આવે તે માટે સરકારે ધ્યાન રાખવાનું જ છે પરંતુ સાથે સાથે લોકોની પણ એટલી જ જવાબદારી બને છે. જો આ મુદ્દે ધ્યાન અપાશે નહીં તો કોરોનાની નવી લહેર આવતાં વાર નહીં લાગે તે નક્કી છે.

Most Popular

To Top