નાઇરોબી: દુનિયાભરના દેશોમાં કોવિડ-૧૯ (Covid-19) સામેની રસીકરણ (Vaccination) ચાલી રહ્યું છે ત્યારે હવે વિશ્વના (World) અનેક ભાગોમાંથી હવે સિરિંજ્સની (syringe) તંગીની બૂમરાણ ઉઠવા માંડી છે. જ્યારે કોવિડ-૧૯ના રસીના ડોઝિસનો પુરવઠો વધવા માંડ્યો છે ત્યારે હવે સિરિંજોની તંગી સર્જાઇ છે અને ખાસ કરીને નીચી તથા મધ્યમ આવકવાળા દેશોમાં બે અબજ કરતા વધુ સિરિંજોની તંગી છે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે.
આ તંગી મુખ્યત્વે રસીઓ મૂકવા માટે વપરાતી ખાસ પ્રકારની સિરિંજોની જ છે અને તેને કારણે રાબેતા મુજબના રસીકરણને પણ અસર થઇ શકે છે એમ જણાવવામાં આવ્યું છે. યુએનની બાળકો માટેની એજન્સીએ જણાવ્યું હતું કે ઓટો ડિસ્પોઝેબલ એવી સિરિંજોની ૨.૨ અબજ જેટલી ઘટ જણાય છે. આ સિરિંજો રસી મૂકાયા બાદ આપમેળે લૉક થઇ જાય છે અને આ રીતે તેનો ફરીથી ઉપયોગ થઇ શકતો નથી.
અમે ઉંચી આવકવાળા દેશોમાં વપરાતી વધુ સ્ટાન્ડર્ડ સિરિંજોના પુરવઠાની નોંધપાત્ર તંગીની ધારણા રાખતા નથી એમ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું. તેણે આ તંગી માટે નોંધપાત્ર ઉંચી માગને જવાબદાર ગણાવી હતી. આ ઉપરાંત સપ્લાય ચેઇન ખોરવાવાનું, જ્યાં ઉત્પાદન થતું હોય તે દેશો દ્વારા સિરિંજોની નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધો, તથા રસીઓના પુરવઠામાં અચાનક થયેલા મોટા વધારાને પણ જવાબદાર ગણાવ્યો હતો. રસીઓની આ તંગી ખાસ કરીને આફ્રિકન દેશોમાં વધારે છે. આફ્રિકન આરોગ્ય અધિકારીઓ અને યુએનના અધિકારીઓએ બે અબજ કરતા વધુ સિરિંજોની તંગીની ચેતવણી ઉચ્ચારી છે.
કોવિડ-૧૯ની રસીના ડોઝિસનો તંગીનો ભય એના પછી ઉભો થયો છે જ્યારે મહિનાઓના વિલંબ પછી આફ્રિકા ખંડમાં કોવિડ-૧૯ના ડોઝિસનો પુરવઠો વધ્યો છે. પરંતુ હવે સિરિંજોની તંગી આફ્રિકામાં ફરીથી રસીકરણને ખોરંભે પાડી શકે છે જ્યાં મોટા ભાગના દેશોમાં હજી પણ રસીકરણ નોંધપાત્ર ઓછું છે એ મુજબ હુના આફ્રિકાના ડિરેકટરે જણાવ્યું હતું.