SURAT

દેશની પ્રથમ બુલેટ ટ્રેન સુરત-બિલીમોરા વચ્ચે આ દિવસથી દોડવા લાગશે, કેન્દ્રીય રેલમંત્રીએ જાહેરાત કરી

સુરત: અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ અને રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓ દ્વારા સિટીલાઈટ સ્થિત દ્વારકા હોલ, મહારાજા અગ્રેસન ભવન ખાતે કેન્દ્રીય રેલ્વે (Central Railway Minsiter) તથા દુરસંચાર, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવનો (Ashwini vaishnav) સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, સુરત (Surat) સૌને સમાવનારરું શહેર છે. ભારતના કોઈ પણ સમાજના એક જ સ્થળે દર્શન કરવા હોય તો સુરત આવો. આ શહેર એવું વિલક્ષણ છે જેણે દેશભરમાંથી સ્થળાંતરિત થઈને આવેલા લાખો દેશવાસીઓને રોજગારી પૂરી પાડીને મિની ભારતનું સર્જન કર્યું છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરતથી બિલીમોરાની દેશની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train) ૧૫મી ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં શરૂ થઈ જશે. દેશની આ પ્રથમ બુલેટ ટ્રેનનો સુરતથી પ્રારંભ થશે, જે સુરત માટે ગૌરવાન્વિત ક્ષણ બની રહેશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર તેજ ગતિથી કાર્ય થઈ રહ્યું છે. સાથોસાથ વડાપ્રધાનની દોરવણી હેઠળ ગતિશક્તિ યોજના પણ લોજીસ્ટિક અને પરિવહન ક્ષેત્રમાં સીમાચિહ્નરૂપ બનશે એમ તેમણે ઉમેર્યું હતું.

કેન્દ્રીય ટેક્ષટાઈલ અને રેલવે રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, આઝાદીનો અમૃત્ત મહોત્સવ દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, એ સમયે સૌ સાથે મળીને દેશને ઉન્નતિના શિખરે લઈ જવા સંકલ્પ લઈએ. સુરત શહેરના ઉદ્યોગોનો રાજ્ય અને દેશના વિકાસમાં અમૂલ્ય ફાળો છે, ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોની લાગણીઓ અને માંગણીઓને ન્યાય આપવામાં કેન્દ્ર સરકાર તત્પર રહેશે એમ જણાવી તેમણે અગ્રવાલ ટ્રસ્ટની સેવા પ્રવૃત્તિઓની સરાહના પણ કરી હતી.

આ વેળાએ સુરત મનપાના સહયોગથી વેક્સિનેશન કામગીરીમાં ઉમદા સેવા આપનાર અગ્રવાલ ટ્રસ્ટની છ રસીકરણ ટીમોનું મંત્રીઓએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટના પ્રમુખ સુભાષ અગ્રવાલ, અગ્રણી ઉદ્યોગપતિ સંજય સરાવગી, રાજસ્થાન હરિયાણાની સમાજની સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top