તા.૨૪ ઓકટોબર ૨૦૨૧ ના ‘ગુજરાતમિત્ર’માં તંત્રીલેખવાળા પાના પર શ્રી બકુલભાઈ ટેલરે એકદમ સત્ય હકીકત વર્ણવતાં લખ્યું કે અધ્યક્ષ બદલવાથી કોંગ્રેસની દશા બદલાવાની નથી. આખોય લેખ અત્યંત અભ્યાસપૂર્ણ રીતે લખાયો છે. રાહુલ ગાંધીની ક્ષમતા વિશે ખૂબ જ સુંદર ટીપ્પણી સાથે તેમણે તેમની કહેલી વાત સચોટ રીતે રજૂ કરી છે. ગુજરાતમાં હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને ઉમેરીને સંઘર્ષ જ ઊભો કર્યો છે તે વાત પણ તેમની સો ટકા સાચી છે. દિવાળી પછી જે ચિંતન શિબિર યોજવાની વાત છે તેને બદલે ચિંતા શિબિર યોજવી જોઇએ એ વાતમાં પણ ઘણું તથ્ય સમાયેલું છે.
હાલ જે પરિસ્થિતિ કોંગ્રેસની છે તેમાં જ્યોતિષને બતાવ્યા વગર પણ કહી શકાય કે તેમની ગ્રહદશા સુધરે તેમ નથી તેવું અવલોકન કરીને સાચે જ કોંગ્રેસની નેતાગીરીને એક ચીમકી આપી છે તેવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. તેમના આખા લેખમાં પ્રિયંકા ગાંધી ( વાડ્રા ) નો ક્યાંય નામોલ્લેખ નથી તે પણ એટલું જ સૂચક છે. ટૂંકમાં કોંગ્રેસ પક્ષની વર્તમાન પરિસ્થિતિ અંગે શ્રી બકુલભાઈ ટેલરે ખૂબ જ સચોટ વાત જણાવી છે તેમાં બેમત ન હોઈ શકે. શ્રી બકુલભાઈ ટેલરને તે માટે જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા પડે.
સુરત – સુરેન્દ્ર દલાલ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.